ભરૂચ AAP ના ઉમેદવાર દેડિયાપાડાના ધારાસભ્ય 45 દિવસ બાદ જેલમુકત થતા સ્વંયભૂ લોકસમર્થન અને શક્તિપ્રદર્શન વચ્ચે જેલ બહાર તેઓને લોકોએ દેખો દેખો કોન આયા આદિવાસી શેર આયા ના નારા સાથે બેરીકેટને પણ તોડી વધાવી લીધા હતા.
વન કર્મીઓ પર હુમલાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દરમિયાન તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી નામંજુર થયા બાદ દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.તેઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 18 ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબજેલમાં મોકલી અપાયા હતા. દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવંત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના AAP ના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
આજે ગુરુવારે તેઓની પત્નીના જામીનની સુનાવણી છે. દરમિયાન સવારે તેઓ રાજપીપળા જેલમાંથી 45 દિવસ બાદ બહાર આવ્યા હતા. જેલમાં તેઓને લેવા બીજા પત્ની વર્ષાબેન અને બાળકો સાથે હતા. સાથે જ વકીલ ગોપાલ ઇટાલિયા અને આપના પ્રવક્તા પણ જોડાયા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ બહાર આવવા સાથે જ જનમેદની તેમને વધાવવા તૈયાર હતી. દેખો દેખો કોન આયા આદિવાસી શેર આયા અને ચૈતર વસવાના જય જય કાર સાથે સમર્થક જનતાએ તેમને વધાવી લીધા હતા.લોકોએ બેરીકેટ તોડીને પણ ચૈતર વસાવાને મળી હાર તોરા પહેરાવી ખભે ઊંચકી જાણે સરઘસ કાઢ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. તો ચૈતર વસવાના સમર્થકોએ ભાજપ સરકારનો પણ હુરિયો બોલાવ્યો હતો.