આદિવાસી આપ MLA એ દિવાળી અજ્ઞાતવાસમાં વિતાવવી પડે તેવો વારો આવ્યો છે. કોર્ટે ચૈતર વસાવાના આગોતરા અંગે વધુ સુનાવણી 20 નવેમ્બરે નિયત કરી, તો પત્ની, PA અને ખેડૂતની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.
દેડિયાપાડાના બોગજ કોલીવાડામાં વન કર્મચારીઓને ધમકી, ₹60 હજાર બળજબરીથી કઢાવવા અને હવામાં ફાયરિંગની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ AAP ધારાસભ્યની મુશ્કેલીઓ વધી ગઈ છે.ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા ચૈતર વસાવાએ દિવાળી અને નવું વર્ષ ગુપ્તવાસમાં જ વિતાવવું પડે તેવો વારો આવ્યો છે.
આજે શુક્રવારે રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એન.આર.જોષી એ આગોતરા અને રેગ્યુલર જામીન અંગે સુનાવણી હાથ ધરી હતી. ગુરૂવારે સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલની દલીલો સાંભળીયા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરી હતી.ડેડીયાપાડા MLA ના પત્ની શકુંતલાબેન, PA જીતુભાઇ સહિત ઝડપાયેલા 3 આરોપીઓની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજુર કરી હતી. સરકારી વકીલ જે.જે.ગોહિલે જણાવ્યું હતું કે, કોર્ટે પ્રથમ દ્રષ્ટિના પુરાવા, 60 હજાર અને પિસ્તોલની રીકવરીને લઈ 3 આરોપીઓના રેગ્યુલર જામીન ફગાવી દીધા છે.
જ્યારે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી અંગે વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ 20 નવેમ્બરે ઉઘડતી કોર્ટે હાથ ધરવા નક્કી કર્યું છે.કોર્ટે એ પણ નોંધ્યું છે કે , આગોતરા અરજી પેન્ડિંગ હોવા છતાં પોલીસ ચૈતર વસાવાની ધરપકડ કરી શકે છે. હવે કોર્ટના આ ઓર્ડરને લઈ સમગ્ર દિવાળી અને નૂતન વર્ષ હજી ભૂગર્ભવાસમાં પોલીસ પકડથી બચીને વ્યતીત કરવાની નોબત આવી છે.