ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા ખાતે ટોલ સંચાલકો દ્વારા સ્થાનિક પાર્સિંગ ચાલકો પાસે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવતા વાહન ચાલકો અને ટોલ ટેક્સ સંચાલકો વચ્ચે અવાર નવાર ઘર્ષણ સર્જાઈ રહ્યું છે જેને પગલે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાંની આગેવાનીમાં માંડવા ટોલ ટેક્સ પાસે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
કોંગ્રેસના આગેવાનો શેરખાન પઠાણ,સંદીપ માંગરોલા,યૂથ કોંગ્રેસ પ્રમુખ સકીલ અકુજી,ભરૂચ શહેર પ્રમુખ હરેશ પરમાર,વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,જ્યોતિબેન તડવી,શરિફ કાનુગા,ધનરાજ વસાવા,ફતેસિંગ વસાવા સહિતના કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી ટોલ ટેક્સ બંધ કરોના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જી.જે.16ના વાહનોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવા સાથે ભાજપ સરકારના શાસનમાં ટોલ નાબૂદીને બદલે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે.જે ઘણી શરમ જનક બાબત ગણાવી વહેલી તકે તેઓનો ઉકેલ નહીં આવે તો સાંસદ અને ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલ સિંહ રાણાની આગેવાનીમાં યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ માંડવા ટોલ ટેક્સ ખાતે સમગ્ર મુદ્દાઓને લઈ ભારે સુત્રોચ્ચાર સાથે હોબાળો કરવામાં આવ્યો હતો.
તો બીજી તરફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ ટોલ ટેક્સના સંચાલકોની દાદાગીરી અને તાનાશાહીને પગલે હેરાન પરેશાન થઈ ગયા હોવા સાથે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.જ્યારે ટોલ ટેક્સના સંચાલકે એન.એચ.આઈનું નોટિફિકેશન હોવાથી 20 કિમી અંતરના નાના વાહનોને મહિને રૂપિયા 330નો પાસ કાઢી આપી 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો છે તો કોમર્શિયલ વાહનોનો ત્રણ વર્ષથી એન.એચ.આઈ મુજબ ફાસ્ટેકનો સર્વે કરી ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો હોવાનું કહી હાથ ખંચેરી લીધા હતા.જ્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલ 45 કોંગ્રેસીઓની અટકાયત કરી હતી.