મૃત્યુ પછી પણ 4 લોકોમાં હંમેશા જીવંત રહેશે બ્રેઈનડેડ યુવક
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક મુસ્લિમ માતાએ પોતાના વ્હાલસોયા પુત્રના લીવર, બે કિડની અને સ્વાદુપિંડનું અંગદાન કરીને ખુદાની અનોખી ઈબાદત કરી નેકીમાં યોગદાન આપ્યું છે. ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. આ અંગદાન એક મુસ્લિમ પરિવાર દ્વારા થતા ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવનાને બળ મળ્યું છે. ઈસ્લામ ધર્મમાં પણ દાનનો અનોખો મહિમા છે. રમઝાનના દિવસોમાં મુસ્મિલ બિરાદરો ભૂખ્યાને ભોજન, પડોશીને મદદ અનેક પ્રકારે દાન સાથે નેક કાર્ય કરતા હોય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ષા ચલાવીને પેટીયું રળતા ભરૂચ જિલ્લાનો એક ૨૭ વર્ષીય યુવાન તા.૦૪ ના રોજ વાલિયા ખાતે રાત્રિના સમયે બાઈક સ્લીપ થતા રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થતા સુરત સિવિલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ત્રણ દિવસની સારવાર બાદ તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારજનોને સર્જરીના એસોસિયેટ સોટો ઓર્ગન ડોનેશનની ટીમ અને તબીબોએ અંગદાન અંગેની જાણકારી આપી. આ પરિવારે સંમતિ આપતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી.
અંગદાન અંગે યુવાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમારૂ સ્વજન આ દુનિયામાં નથી રહ્યું, પણ તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેશે એવા આશયથી અમોએ અંગદાન કર્યું છે. અમારા સ્વજનના અંગો કોઈ પણ ધર્મના વ્યકિતને કામ લાગે તો આનંદ થશે તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. આજરોજ વહેલી સવારે અમદાવાદની IKDRC ટીમ દ્વારા સુરત આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવર તથા સ્વાદુપિંડનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલના નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ સુરત સિવિલમાં ૧૯મું સફળ અંગદાન થયું હતું.