
વાગરા તાલુકાના ચાંચવેલ ગામે રવિવારે સામુહિક નિયાઝ (સમૂહ ભોજન) બાદ 175 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં ભરૂચ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ, વહીવટી તંત્ર દોડતું થવા સાથે હોસ્પિટલો નાના બાળકો, મહિલા, યુવાનો તેમજ વૃધ્ધોથી છલકાઈ ઉઠી છે.
વાગરાના ચાંચવેલ ગામે 11મી નિયાઝનો કાર્યકમ રવિવારે બપોરે યોજાયો હતો. સામુહિક નિયાઝ આખા ગામ તરફથી આયોજિત કરાઈ હતી. જેમાં સ્વીટમાં હલવો, છાશ અને મટન બિરયાની રાખવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં આજે 11 મી શરીફ ને લઈ મુસ્લિમ સમાજ માં કેટલાય ગામોમાં નિયાઝનો કાર્યકમ હતો અને એક ગામમાં 175 લોકોને ફૂડ પોઇઝનિંગ થતા જિલ્લા કલેકટર તુષાર સુમેરા, RDC એન.આર. ધાંધલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા સહિત તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જ.એસ.દુલેરાએ વોચ ગુજરાતને જણાવ્યું હતું કે, ચાંચવેલ ગામે નિયાઝના કાર્યકમમાં બિરયાની આરોગતા ફૂડ પોઇઝનિંગની અસરમાં 175 થી દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોઈ પણ દર્દીની હાલત હાલ તો ગંભીર નથી અને તમામની સારવાર જે તે હોસ્પિટલમાં ચાલી રહી છે. ફૂડ પોઇઝનિંગમાં દર્દીઓમાં ગભરામણ, ચક્કર આવવા અને ઝાડા તેમજ ઉલ્ટીના લક્ષણો જણાયા હતા.