આમોદ તાલુકાના માતર ગામમાં બે દિવસ પહેલાં બેંકમાં કામ અર્થે ગયેલા યુવાનનો પગ લપસી જતાં ગામના તળાવમાં ડૂબી ગયો હતો.જે યુવાનની લાશ આજ રોજ સવારમાં તળાવમાં જોવા મળતાં ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી હતી.ત્યાર બાદ તેનું માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરાયું હતું.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના માતર ગામના ટેકરા ફળિયામાં રહેતો રણજિત શાંતિલાલ વસાવા અને રમેશ લલ્લુ વસાવા સિગ્મા કોલેજમાં આવેલી સેન્ટ્રલ બેંકમાં તેમની છોકરીઓની શિષ્યવૃતિ જમાં થતાં તેઓ બને ઘરમાં રૂપિયાની જરૂર હોય પૈસા ઉપાડવા ગયા હતા.પરંતુ બેંકનું સર્વર ડાઉન હોય પૈસા ઉપાડી શક્યા નહોતાં.અને માતર ગામના તળાવના કિનારે પગદંડી રસ્તા ઉપર પરત આવતા હતા ત્યારે રણજીત વસાવાનો પગ લપસી જતાં તેઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ લાપતા બન્યો હતો.જેથી ગામના સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં લાપતા બનેલા રણજીત વસાવાને શોધવા માટે ભારે જહેમત આદરી હતી.પરંતુ ભારે વરસાદને કારણે તળાવમાં પાણીનો ફોર્સ વધુ હોય યુવાનને શોધવામાં સફળતા મળી નહોતી.ત્યારે ગામના જાગૃત નાગરિક રણજીતસિંહ રાજ તથા સરપંચ ઇરફાનભાઈ ઉઘરાતદારે તંત્રને જાણ કરતા બનવાના દિવસે એસ.ડી.આર.એફ.વાલીયાની ટીમ આવી પહોંચી હતી.અને તળાવમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ આદરી હતી.

જો કે પાણીનો વહેણ વધુ હોય તેમને પણ સફળતા મળી નહોતી ત્યાર બાદ બીજા દિવસે બપોર બાદ પણ એસ.ડી.આર.એફ.વાલીયાની ટીમ ફરીથી આવી લાપતા બનેલા યુવાન રણજિત વસાવાની લાશને શોધવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.છતાં રાત સુધીમાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો નહોતો.તળાવમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા માટે એસ.ડી.આર.એફ.ની ટીમ આવી પહોંચતા સમગ્ર ગામ જોવા માટે ઉમટી પડ્યું હતું.ત્યારે આજે સવારે ત્રણ દિવસ બાદ રણજિત વસાવાની લાશ તળાવમાં તરતી જોવા મળી હતી.જેને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢી હતી.ત્યાર બાદ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

  • વિનોદ વસાવા,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here