-
ઘરના ફર્નિચરોમાં દારૂની બોટલો સંતાડી હતી,એલસીબીએ દરોડો પાડયો, બૂટલેગર ફરાર
ભરૂચ શહેરમાં દારૂની બદીને ડામવા એલસીબીની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચ શહેરની મિપ્કો ચોકડી પાસે આવેલી જલધારા સોસાયટીમાં દારૂનો ધંધો કરતા કુખ્યાત બુટલેગર મનોજ શંકર કહારે દારૂનો જથ્થો સંતાડ્યો છે. જેના પગલે ટીમે તેના ઘરે દરોડો પાડયો હતો.
જોકે, બુટલેગર મનોજ કહાર ઘરે હાજર ન હોઇ તેના મકાનનો દરવાજો માત્ર સ્ટોપર મારી બંધ કર્યો હોવાનું જણાતાં ટીમે ઘરમાં પ્રવેશી તલાશી હાથ ધરતાં ઘરના ફર્નિચરોના અલગ અલગ ખાનામાં સંતાડેલી અલગ અલગ બ્રાન્ડની કુલ 21 હજાર ઉપરાંતની મત્તાની 75 બોટલો મળી આવી હતી. ટીમે દારૂનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર મનોજ કહારને વોન્ટેડ જાહેર કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.