- ભરૂચ ખાતે નદીમાં સવા મણ દૂધનો અભિષેક અને દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
- ગુજરાતની જીવાદોરી સમાન પાવન સલિલા માં નર્મદા ઓવારે આવેલા વિવિધ આશ્રમો તીર્થધામો ઉપર ભવ્ય ઉજવણી કરાશે.
- ગાયત્રી મંદિરે સવા લાખ દીવડાની આરતી કરવામાં આવશે
ભરૂચની જન્મદાત્રી અને ગુજરાતની જીવાદોરી એવી પુણ્યસલિલા માં નર્મદાની આજે જન્મ જયંતી છે. જે નિમિત્તે ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે આજે માં નર્મદાની સવા લાખ દિવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, 1000 સાડી અર્પણ, મહાપૂજા, અભિષેક અને મહાપ્રસાદી, વગેરે જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે.
નર્મદા પુરાણના રેવાખંડમાં દર્શાવ્યા મુજબ ભગવાન વિષ્ણુની છાતી પર પોતાના પગથી પ્રહાર કરનાર ભૃગુઋષિ નર્મદા કિનારે આવીને વસ્યા હતા. વસંતપંચમીના દિવસે ભરૂચ શહેરની સ્થાપના કરી હતી.ભરૂચ નર્મદા નદીના કિનારે વસ્યું હોવાથી નર્મદા નદીને ભરૂચની જન્મદાત્રી પણ કહેવામાં આવે છે.
નર્મદા નદીના પાણી અને વીજળીનો વધુ પડતો લાભ ગુજરાતને મળતો હોવાથી નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી તરીકે પણ ઓળખવામાં આવે છે.મહા સુદ સાતમના શુભ દિવસે નર્મદા નદીની ઉત્પત્તિ થઈ હોવાથી આજના દિવસને “નર્મદા જયંતિ” તરીકે ઉજવવામાં આવે છે. શહેરના અન્ય વિસ્તારો અને નજીમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે.