નર્મદા જિલ્લાના સાગબારા સ્થિત એકલવ્ય મોડેલ આવાસીય વિદ્યાલય (EMRS) ખાતે ત્રણ દિવસીય ‘ઈએમઆરએસ ક્લસ્ટર કક્ષાનો સાંસ્કૃતિક મહોત્સવ અને સમૃદ્ધિ-2026’નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. તારીખ 26થી 28 નવેમ્બર, 2026 દરમિયાન આયોજિત આ મહોત્સવમાં નર્મદા અને ડાંગ જિલ્લાની કુલ 8 એકલવ્ય મોડેલ આવાસીય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ પોતાની કલા અને પ્રતિભાના ઓજસ પાથરી રહ્યા છે.

સમારોહની શરૂઆત યજમાન શાળાના આચાર્ય પ્રમોદકુમાર કનોજિયાના સ્વાગત પ્રવચનથી થઈ હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી (GSTES)ના પૂર્વ નિયામક અર્જુનભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ ટીપીઈઓ નાનસિંહ, જવાહર નવોદય વિદ્યાલય-તિલકવાડા, આદર્શ નિવાસી શાળા-સાગબારા, ચોપડવાડ પ્રાથમિક-માધ્યમિક શાળા તેમજ સાપુતારા, દેડિયાપાડા, ગોરા, ઉમરપાડા અને તિલકવાડા EMRSના આચાર્યો સહિત ચોપડવાડના સરપંચ અને શિક્ષણવિદોએ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ ત્રિદિવસીય મહોત્સવમાં એકલ નૃત્ય, સમૂહ નૃત્ય, 2D અને 3D ચિત્રકલા, ગાયન, નાટક, વક્તૃત્વ, કાવ્યપાઠ અને વાર્તા વાચન જેવી વિવિધ સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
આ આયોજનનો મુખ્ય હેતુ જનજાતીય વિદ્યાર્થીઓની છૂપી પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાનો, તેમની સર્જનાત્મકતા ખીલવવાનો તથા આંતર-શાળાકીય સાંસ્કૃતિક આદાન-પ્રદાન દ્વારા આત્મવિશ્વાસ અને સહયોગની ભાવના વિકસાવવાનો છે. આ મહોત્સવ વિદ્યાર્થીઓ માટે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક રજૂ કરવાની એક યાદગાર તક બની રહ્યો છે.






