નેત્રંગના વરખડી ગામે નિશાળ ફળિયામાં આંગણવાડી કેન્દ્ર-2ની બાજુમાં જોખમી મકાન! વાવાઝોડામાં મકાન ધરાશાયી થાય તો જવાબદાર કોણ? જર્જરિત મકાન તોડી કાટમાળ દૂર કરવાની ગ્રામજનોની માંગ!
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વરખડી ગામના નિશાળ ફળિયામાં આંગણવાડી કેન્દ્ર-2ની બાજુમાં આવેલું વર્ષો જૂનું સરકારી જર્જરિત ખંડેર મકાન હવે નાના ભૂલકાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે. આંગણવાડી કેન્દ્રના મકાનને અડીને જ આવેલું આ સરકારી ખંડેર મકાન ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહી છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વર્ષો પહેલાં આ મકાનમાં કોઈ ઓફિસ કાર્યરત હતી, પરંતુ સમય જતાં મકાન જર્જરિત બની ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. આજે આ જ મકાન આંગણવાડી કેન્દ્રની સાથે અડીને જ આવતા નાનાં બાળકો માટે જોખમનું કારણ બની રહ્યું છે. જ્યાં બાળકોને શિક્ષણ, પોષણ અને સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ, ત્યાં બાજુમાં જ ઉભેલું જર્જરિત મકાન જોખમની ઘંટડી વગાડી રહ્યું છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે ચોમાસા દરમિયાન ભારે વરસાદ, વાવાઝોડું કે અન્ય કોઈ કુદરતી કારણોસર જો આ મકાન ધરાશાયી થાય અને આંગણવાડીના નિર્દોષ ભૂલકાઓ કોઈ દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોણ લેશે? શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? શું બાળકોની સુરક્ષા માટે કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યાર પછી જ અધિકારીઓની આંખ ઊઘડશે?
હવે ગ્રામજનોની માંગ છે કે સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી મકાનની હાલતનું નિરીક્ષણ કરે, જોખમી મકાનને નિયમ મુજબ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરે અને કાટમાળનો યોગ્ય નિકાલ કરે, જેથી કોઈ નિર્દોષ બાળકના જીવ પર જોખમ ઊભું ન થાય.
સવાલ એક જ છે કે વરખડીના ભૂલકાઓની સુરક્ષા માટે તંત્ર ક્યારે જાગશે? કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોશે કે સમયસર કાર્યવાહી કરશે?





