ભરૂચ સ્થિત મહિલા અને બાળ વિકાસ વિભાગ (ગાંધીનગર) તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્રના પ્રાંગણમાં એક અત્યંત ભાવુક અને આનંદમય લગ્નોત્સવ ઉજવાયો હતો. વર્ષ ૨૦૦૭થી આ કેન્દ્રમાં આશ્રય લઈ રહેલી માતા-પિતા વિહોણી દીકરી સુનીતાના શુભ લગ્ન કારતક સુદ પૂનમ, તારીખ ૨૪-૧૧-૨૦૨૬ના રોજ ત્રાલસા નિવાસી સ્વ. સુખદેવભાઈ અને શાંતાબેન પટેલના સુપુત્ર મહેશભાઈ પટેલ સાથે ભારે ધામધૂમથી યોજાયા હતા.

લગ્ન પ્રસંગે નારી સંરક્ષણ કેન્દ્રનું સમગ્ર પરિસર શરણાઈના મધુર સૂરો અને મંગળ ગીતોથી ગુંજી ઉઠ્યું હતું. ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ, હસ્તમેળાપ અને મંગળફેરા સહિતની તમામ શાસ્ત્રોક્ત વિધિઓ સંપૂર્ણ પરંપરાગત રીતે સંપન્ન કરવામાં આવી હતી.
આ પવિત્ર અવસરે સમાજની સેવાભાવી ભાવનાના દર્શન થયા હતા. શહેરના અગ્રણી જતીનભાઈ ભટ્ટ, નીલાબેન ભટ્ટ તેમજ હાર્દિકભાઈ ચૌહાણ અને તેમના ધર્મપત્નીએ સુનીતાને માતા-પિતાની ખોટ ન વર્તાય તે રીતે સગા માવતર બનીને કન્યાદાન કર્યું હતું અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સંસ્થાના કર્મચારીઓ અને ઉપસ્થિત મહેમાનોએ નવદંપતીને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ, કેન્દ્રના પરિવારજનોની ભીની આંખો વચ્ચે દીકરી સુનીતાને સાસરે વળાવવા માટે ભાવભીની વિદાય આપવામાં આવી હતી.






