નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામમાં છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પૂર્વ પતિ દ્વારા વારંવાર હેરાનગતિ અને ધમકીઓ મળવાથી માનસિક ત્રાસ ભોગવી રહેલી મહિલાને 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે સમયસર મદદ પૂરી પાડીને સુખદ સમાધાન કરાવ્યું છે.
તિલકવાડા તાલુકાના એક ગામની પીડિત મહિલાએ 181 અભયમ હેલ્પલાઈન પર કોલ કરીને મદદ માંગી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, તેમના પતિ સાથે કાયદેસરના છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પૂર્વ પતિ તેમને શાંતિથી જીવવા દેતા નથી. પૂર્વ પતિ વારંવાર મહિલાના ઘરે આવીને તેમને તેમજ તેમનાં બાળકોને ધમકીઓ આપી માનસિક રીતે હેરાન-પરેશાન કરતા હતા. આ સતત ત્રાસથી કંટાળીને આખરે મહિલાએ અભયમ ટીમનો સંપર્ક સાધ્યો હતો.

મહિલાની રજૂઆતને ગંભીરતાથી લઈને નર્મદા જિલ્લાની 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમના કાઉન્સેલરે સૌપ્રથમ પીડિત મહિલા સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરીને તેમની સમગ્ર પરિસ્થિતિ જાણી હતી. ત્યારબાદ પૂર્વ પતિનો સંપર્ક કરી બંને પક્ષોની રજૂઆતોને શાંતિથી સાંભળવામાં આવી હતી.
કાઉન્સેલરે પૂર્વ પતિને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે, છૂટાછેડા બાદ એકબીજાના અંગત જીવનમાં બિનજરૂરી દખલગીરી કરવી, ઘરે જઈને ધમકી આપવી કે માનસિક ત્રાસ આપવો તે ગંભીર ગુનો છે. દરેક વ્યક્તિને સુરક્ષા અને સન્માન સાથે જીવવાનો અધિકાર છે, અને જો આવી હરકતો ચાલુ રહેશે તો કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી થઈ શકે છે.
અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન બાદ પૂર્વ પતિને પોતાની ભૂલ સમજાઈ હતી. તેમણે ભવિષ્યમાં મહિલા કે તેમનાં બાળકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરવાની લેખિત/મૌખિક ખાતરી આપી હતી. આમ, 181 અભયમની સમયસૂચકતા અને મધ્યસ્થીથી બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. મુશ્કેલીના સમયે યોગ્ય માર્ગદર્શન અને સુરક્ષા પૂરી પાડવા બદલ પીડિત મહિલાએ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.






