દિવાળી વેકેશનમાં ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ માટે એકતાનગર (કેવડિયા) ફરવા માટેનું સૌથી લોકપ્રિય સ્થળ બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ છેલ્લા 8 વર્ષમાં અહીં 3 કરોડથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે.ત્યારે ચાલુ દિવાળી વેકેશનમાં પણ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.વેકેશનના પ્રથમ ત્રણ દિવસમાં જ 5 લાખથી વધુ પ્રવાસીઓએ એકતાનગરની મુલાકાત લીધી છે.

દિવાળી વેકેશન દરમિયાન દરરોજ આશરે 1.25 લાખથી 1.50 લાખ પ્રવાસીઓ એકતાનગરની મુલાકાતે આવ્યા હતા.આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખતા પ્રવાસન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ પ્રવાસન પ્રોજેક્ટો પ્રવાસીઓથી હાઉસફુલ જોવા મળી રહ્યા છે.

પ્રવાસીઓના ભારે ધસારાને પગલે હોટલો, ટેન્ટસિટી અને રો-હાઉસમાં પણ બુકિંગનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.પ્રવાસીઓની સુવિધા માટે હોટલો અને ટેન્ટસિટીમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.દિવસ દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત ઉપરાંત ભારત પર્વ અને પ્રકાશ પર્વેને લીધે રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની અવરજવરમાં સરળતા રહે તે માટે એસ.ટી.વિભાગ દ્વારા વધારાની સ્પેશિયલ બસો પણ દોડાવવામાં આવી રહી છે.

એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત કુદરતી સૌંદર્યથી ભરપૂર 23 થી વધુ નાના-મોટા પ્રવાસન પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.વર્ષ 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી નવી એકતા ક્રૂઝ અને રેન ફોરેસ્ટ સહિતના નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ થતાં પ્રવાસીઓ માટે આકર્ષણમાં વધુ વધારો થયો છે.છેલ્લા 8 વર્ષથી દર દિવાળી વેકેશનમાં એકતાનગરમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નવા પ્રવાસન પ્રોજેક્ટો, આધુનિક સુવિધાઓ અને કુદરતી સૌંદર્યના સંગમને કારણે હવે અન્ય રાજ્યોમાં ફરવા જવાને બદલે ગુજરાતનું એકતાનગર પણ દેશભરના પ્રવાસીઓની પહેલી પસંદગી બની રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here