ભરૂચ જિલ્લાના મહત્વના વેપારી મથક એવા પાલેજમાં રેલવે ઓવરબ્રિજની વર્ષો જૂની અને ગંભીર સમસ્યા આજે પણ ઉકેલની રાહ જોઈ રહી છે. પાલેજ રેલવે ફાટક પરથી સતત ટ્રેનોની અવરજવર રહેતી હોવાથી ફાટક મોટાભાગે બંધ રહે છે. પરિણામે દરરોજ હજારો વાહનચાલકોને કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવાની નોબત આવે છે.

તાજેતરમાં બેસતા વર્ષના પવિત્ર તહેવારના દિવસે પણ પાલેજમાં ટ્રાફિકની અત્યંત વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. તહેવાર હોવા છતાં વારંવાર ટ્રેનો પસાર થવાને કારણે રેલવે ફાટક લાંબા સમય સુધી બંધ રહ્યું હતું. બંને તરફ વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ટ્રેનોની અવરજવર ઉપરાંત સૌથી ગંભીર સમસ્યા રેલવે સિગ્નલની છે. પાલેજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ વિસ્તારમાં જ ફાટકનું સિગ્નલ આવેલું છે. આ ટેકનિકલ ખામીના કારણે અનેકવાર ટ્રેનો સિગ્નલ મળવાની રાહમાં ફાટકની નજીક રસ્તાની વચ્ચે જ ઊભી રહી જાય છે. ટ્રેન ઊભી રહેવાને કારણે ફાટક ખુલી શકતું નથી અને વાહનચાલકોની મુશ્કેલીમાં અનેકગણો વધારો થાય છે.

•જનજીવન અને ઈમરજન્સી સેવાઓ પર માઠી અસર
પાલેજ આસપાસના અનેક ગામો માટે વેપાર, રોજગાર અને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ માર્ગ પરથી દરરોજ વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, વેપારીઓ અને દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પસાર થાય છે. ફાટક બંધ રહેવાને કારણે ઈમરજન્સી સેવાઓ પણ ખોરવાય છે, જેનાથી લોકોના જીવ પર જોખમ ઊભું થાય છે.

•નક્કર કાર્યવાહી અને સમયમર્યાદા જાહેર કરવાની માંગ
વર્ષોથી ઓવરબ્રિજ બનાવવાની રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. સ્થાનિક નાગરિકોની માંગ છે કે હવે માત્ર આશ્વાસનો આપવાને બદલે જમીન પર કામ દેખાવું જોઈએ.

•જનતાનો સીધો સવાલ
પાલેજની જનતા હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર પાસે જવાબ માંગી રહી છે કે આખરે આ સમસ્યાની જવાબદારી કોણ લેશે? નાગરિકોને કાયમી રાહત ક્યારે મળશે અને ઓવરબ્રિજનું કામ ક્યારે શરૂ થશે? લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે કે હવે તેઓ માત્ર વાયદા સાંભળવા તૈયાર નથી, પરંતુ સમયમર્યાદામાં ઓવરબ્રિજનું કામ શરૂ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here