દાંડી હેરિટેજ માર્ગ પર આવેલા દિવા રોડ પર અત્યંત જર્જરિત પુલને આખરેતોડી પાડવામાં આવ્યો છે.આ કામગીરી રાહત આપવાના બદલે વાહનચાલકો અને સ્થાનિકો માટે નવી આફત બનીને સામે આવી છે. તહેવારોની સીઝન ટાણે જ હાથ ધરાયેલી આ કામગીરી અત્યંત ભયજનક અને બેદરકારીપૂર્વક કરવામાં આવી રહી હોવાના આક્ષેપો ઊઠ્યા છે.

દાંડી હેરિટેજ માર્ગ પર આવેલા દિવા રોડ પરઅત્યંત જર્જરિત પુલને આખરે તોડી પાડવામાં આવ્યો છે. બ્રિજ તોડી પાડ્યા બાદ વાહનોની અવરજવર માટે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.તે એકદમ તીવ્ર વળાંકવાળું છે. આ ડાયવર્ઝન પર માત્ર માટીનું પુરાણ કરીને કામ પતાવી દેવાયું છે. તેના પર મેટલ વર્ક કરવામાં આવ્યું નથી. પરિણામે ધૂળની ડમરીઓ અને અસમતલ રસ્તાને કારણે વાહનો સ્લિપ થવાનો ભય રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ રોડ પર જલારામ મંદિર પાસે બનેલા નાળાનું કામ પણ અત્યંત મંથર ગતિએ ચાલ્યું હતું. તેના કારણે અગાઉ અનેક વાહનચાલકો મુસીબતમાં મૂકાયા હતા. તંત્ર દ્વારા આ નાળું પહોળું કરવાની જરૂર હતી. તેના બદલે તેને હજુ પણ સાંકડું રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, જલારામ મંદિર પાસે દીવાલથી 4 ફૂટ દૂર રોડની બિલકુલ વચ્ચે જ નાળાની પ્રોટેક્શન વોલ બનાવી દેવાઈ છે.
આ રોડ પર વિવિધ શાળાઓ આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક ગ્રામજનો અહીંથી પસાર થાય છે. ડાયવર્ઝનનો ભયજનક વળાંક અને ટ્રાફિકનું ભારણ જોતાં અહીં ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. તહેવારોના દિવસોમાં જ રસ્તો બંધ કરી અડચણ ઊભી કરાતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.





