ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના વારંવાર ખોરવાતા પુરવઠાને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝાડેશ્વર ચોકડીથી નિકોરા સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં કરોડ સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા આશરે 25 દિવસથી દરરોજ સાંજના સમયે વીજળી વારંવાર જતી રહેતી હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે વીજળીના વારંવાર થતા વિક્ષેપને કારણે નવરાત્રીના આયોજકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. સાંજના સમયે વીજ પુરવઠો ખોરવાતાં ગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનમાં અવરોધ ઊભો થતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
જોકે, વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવા છતાં તેનો કાયમી ઉકેલ કેમ લાવવામાં આવતો નથી, તેવો સવાલ સ્થાનિક લોકોમાં ઊઠી રહ્યો છે. જો વીજળીની માંગમાં વધારો થવાની શક્યતા હોય, તો વીજ કંપની દ્વારા અગાઉથી યોગ્ય આયોજન અને જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ છે.
પૂર્વપટ્ટીના ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ છે કે વીજ કંપની તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવે અને વીજ પુરવઠો નિયમિત રહે તે માટે જરૂરી પગલાં ભરે. ખાસ કરીને નવરાત્રીના દિવસોમાં ધાર્મિક કાર્યક્રમો અને ગરબાના આયોજનોમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે.
હવે જોવાનું એ રહેશે કે વીજ કંપનીના અધિકારીઓ આ સમસ્યાને ગંભીરતાથી લઈને ક્યારે યોગ્ય પગલાં ભરે છે અને પૂર્વપટ્ટીના ગ્રામ્ય વિસ્તારોના લોકોને વારંવાર વીજળી ખોરવાવાની સમસ્યામાંથી ક્યારે રાહત મળે છે.





