નર્મદા જિલ્લાના ચિકદા તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલી આંબાવાડી ગ્રામ પંચાયતના સરપંચ સામે ગ્રામ પંચાયતના પાંચ ચૂંટાયેલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. સરપંચની કામગીરીથી અસંતોષ વ્યક્ત કરતાં સભ્યોએ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ 56 હેઠળ તાલુકા વિકાસ અધિકારીને લેખિત નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અરજીમાં જણાવ્યા અનુસાર, આંબાવાડી ગ્રામ પંચાયતના કુલ નવ સભ્યો માંથી પાંચ સભ્યોએ સરપંચની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. સભ્યોએ આક્ષેપ કર્યો છે કે ગ્રામ પંચાયતની કામગીરીમાં પારદર્શિતાનો અભાવ છે અને વહીવટી નિર્ણયો લેવામાં ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી.
અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અગાઉ સામાન્ય સભામાં બહુમતીથી પસાર થયેલા વિકાસકામોના ઠરાવો રદ કરવામાં આવ્યા હોવાની બાબત સામે આવી છે. સભ્યોના જણાવ્યા મુજબ, આ અંગે તેમની જાણ બહાર ફરીથી સભા બોલાવવામાં આવી હોવાના અને વિકાસકામો પોતાના અંગત માણસોને ફાળવવામાં આવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ મેટની નિમણૂકના મુદ્દે પણ સભ્યોએ સવાલો ઉઠાવ્યા છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે ગ્રામસભા અથવા ગ્રામ પંચાયતની યોગ્ય પ્રક્રિયા વિના સરપંચ દ્વારા પોતાની મરજી મુજબ મેટની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત, પંચાયતના વહીવટી અને નાણાકીય નિર્ણયો લેવામાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હોવાનો તેમજ મનસ્વી રીતે વહીવટ ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.
*15 દિવસમાં ખાસ સભા બોલાવવાની માંગ*
અવિશ્વાસની નોટિસ આપનારા સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને વિનંતી કરી છે કે લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ અનુસાર નોટિસ મળ્યાથી 15 દિવસની અંદર ખાસ સભા બોલાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
હવે આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાયદા અને નિયમો મુજબ શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર છે. જોકે, અરજીમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર તપાસ અને સંબંધિત સરપંચનો પક્ષ સામે આવ્યા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.





