જંબુસર તાલુકામાં વન્યજીવોની અવરજવર ફરી એકવાર લોકો માટે ચિંતાનો વિષય બની છે. ભાણખેતર ગામમાં ગણેશ પંડાલની નજીક આશરે ચાર ફૂટ લાંબો મગર દેખાતા ગ્રામજનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સમયસર જાણ થતાં વન વિભાગની ટીમે મગરને સુરક્ષિત રીતે પકડી લઈ સ્થળાંતર કર્યું હતું. ઘટના ભાણખેતર ગામની ભાગોળ પાસે આવેલા ગણેશ પંડાલ નજીક બની હતી. તુલસી ક્યારા પાસે અચાનક મગર દેખાતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા અને તરત જ વન વિભાગને જાણ કરી. વન વિભાગે ગ્રામજનોની મદદથી મગરને પાંજરામાં પકડી સુરક્ષિત સ્થળે ખસેડી દીધો, જેના કારણે સંભવિત અકસ્માત ટળી ગયો હતો. સ્થાનિક સામાજિક આગેવાન બ્રિજેશ પટેલે જણાવ્યું કે ગણેશ મહોત્સવ દરમિયાન પંડાલમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આવી સ્થિતિમાં મગરની હાજરી લોકો માટે જોખમરૂપ બની શકતી હતી, પરંતુ સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ.

બીજી તરફ જંબુસર-ડાભા માર્ગ પર મોડી રાત્રે મગરનું એક બચ્ચું રસ્તા પર ફરતું જોવા મળ્યું હતું. પસાર થતાં બાઈકચાલકે આ દૃશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યું, જેમાં વાહનોની અવરજવર વચ્ચે મગરનું બચ્ચું રસ્તો ઓળંગતું નજરે પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ જંબુસર નજીક મંગણાદ ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. વરસાદી દિવસોમાં આ મગરો આસપાસના ગામો અને રસ્તાઓ તરફ આવી જતા હોવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે. જંબુસર તાલુકામાં મગર, અજગર અને દીપડા જેવા વન્યજીવોના સતત દેખાવથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગ્રામજનોએ વન વિભાગને મગરોની અવરજવરવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં, પેટ્રોલિંગ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની માંગ કરી છે, જેથી માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here