દેડિયાપાડાના બોગજ કોલીવાડામાં વન કર્મીઓને ધમકાવવા, લાઈનમાં ઉભા રાખી હવામાં ફાયરિંગ કરવા, અને બળજબરીથી 60 હજાર અપવવાના નર્મદા પોલીસે નોંધેલા ગુના બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.
દેડિયાપાડાના AAP ધારાસભ્ય, પત્ની સહિત 10 આરોપીઓના વનકર્મીઓ પર હુમલો, ફાયરિંગ સહિતના ચકચારી કેસમાં રાજપીપળા કોર્ટમાં MLA ના આગોતરા અને પત્ની સહિત 3 ની રેગ્યુલર જામીન અંગે આજે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે વધુ સુનાવણી શુક્રવાર પર મુલત્વી રાખી છે.
દેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય FIR નોંધાયા બાદથી ભૂગર્ભમાં છે. જ્યારે પોલીસે તેમની પત્ની શકુંતલાબેન, PA જીતુ અને એક આદિવાસી ખેડૂત રમેશની ધરપકડ કરી તપાસ અર્થે બે આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે પત્નીના એક દિવસના રિમાન્ડ મેળવાયા છે. જોકે તેમની તબિયત બગડતા હાલ તેઓ વડોદરા SSG માં સારવાર હેઠળ છે. જેઓ સ્વસ્થ થતા પોલીસ તેમની પૂછપરછ કરશે.
આગામી લોકસભાની ચૂંટણીને લઈ આ ઘટનાએ રાજકીય રંગ પકડવા સાથે કોંગ્રેસ, આપ અને ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના આદિવાસીઓ પણ ચૈતર વસાવાને સમર્થન આપી BJP ના ઈશારે નર્મદા પોલીસે ખોટો કેસ કર્યો હોવાના આક્ષેપ સાથે રેલીઓ કાઢી તાલુકા તાલુકાએ આવેદન પત્રો આપી રહ્યા છે.ગંભીર ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા MLA ચૈતર વસાવાએ રાજપીપળા કોર્ટમાં આગોતરા અરજી કરી હતી. સાથે જ ધરપકડ કરાયેલ તેમની પત્ની, PA અને એક ખેડૂતે રેગ્યુલર જામીન અરજી મુકી છે.રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આજે ગુરૂવારે MLA ચૈતર વસાવા સહિત 4 આરોપીઓની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ જજ એન.આર.જોષીએ શુક્રવારે જામીન અરજી પર સુનાવણી નિયત કરી છે.