ભારતમાં કરોડો ભારતીયોની આસ્થા મંદિરો સાથે જોડાયેલી છે અને દેશના દરેક મંદિરો પોતાની અલગ માન્યતાને લઈને પ્રખ્યાત હોય છે. પરંતુ ઘણા મંદિરો એવા પણ છે કે જે તેમના ખાસ પ્રસાદને લઈને પણ જાણીતા છે. સુરત શહેરમાં પણ 400 વર્ષ કરતાં પણ વધુ જૂનું અંબાજી માતાજીનું એવું મંદિર છે . જે 64 ખંડની પૂજા માટે જાણીતું છે.
સુરતમાં ચૌટાપુલ ખાતેના પૌરાણિક અંબાજી મંદિરમાં આજે પણ 64 ખંડની પરંપરા ઉજવાઈ છે જે છેલ્લા 100 વર્ષ કરતા પણ વધુ સમય થી ચાલતી આવી છે. ખાસ કરીને જેમને સંતાન ન થતા હોય તેવી પરણિત મહિલાઓ માતાજીનો ખંડ ખાય છે.પરંતુ અહિં ઈચ્છાપુરી કરવા માટે વ્રત કર્યા બાદ પ્રસાદ માટે નામનું એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે.
અહિં 64 ખંડનો પ્રસાદ લેવા માટે અગાઉથી નામ નોંધાવું પડતું હોય છે. આમાં એ જ બહેનો બેસે છે જેમના લગ્ન થઈ ગયા છે પરંતુ સંતાન નથી. ઉપરાંત કોઈના લગ્ન થતા ન હોય, જે સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હોય. આ પરંપરા પૂર્ણ કરવાથી માનતા પણ પૂર્ણ થાય છે એવી લોકોમાં આસ્થા છે. અહીં માત્ર સુરતથી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરના તેમજ મુંબઈ થી પણ મહિલાઓ ખાસ આ પૂજા કરાવવા માટે આવે છે.
ઘઉંની રોટલી ઉપર ચણા, વડુ, લાપસી, શાકભાજી, વગેરે 7 વાનગી મૂકીને માતાજીનો ખંડ તૈયાર કરવામાં આવે છે. ખંડ તૈયાર થયા પછી તેની ઉપર ખાસ કરીને લોટનો દિવો પ્રગટાવી મુકવામાં આવે છે. જે તૈયાર થયા પછી તેને પરદો કરીને માતાજીને ધરાવવામાં આવે છે. માતાજી જમે ત્યારબાદ જ આ નિવેદ્ય ખંડને પ્રસાદી સ્વરૂપે ભક્તોના આપવામાં આવે છે.