ભરૂચ કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં ફરિયાદી એવો દેરોલનો યુવાન કોર્ટની મહિલા વકીલો સહિત મહિલા પોલીસના પોતાના મોબાઈલમાં 20 ડઝન ફોટા પાડતા આરોપી બની ગયો હતો.
ભરૂચ કોર્ટમાં દેરોલનો શાહિદ સલીમ પટેલ નામનો યુવાન 138 ના કેસમાં ફરિયાદી હોય જુબાની આપવા આવ્યો હતો. દહેજમાં નોકરી કરતો આ યુવાન કોર્ટ નંબર 35 બહાર ઉભો હતો.
આ યુવાન મહિલા વકીલો અને મહિલા પોલીસના ફોટા પાડી રહ્યો હોવાની જાણ અન્ય વકીલો અને ખુદ મહિલા વકીલને થતા કોર્ટમાં રહેલા તમામ વકીલો હચમચી ઉઠ્યા હતા.બાર એસોસિએશનના પ્રમુખ પદ્યુમનસિંહ સિંધા અને અન્ય સિનિયર વકીલોએ યુવાન પાસે આવી તેનો મોબાઈલ ચેક કરતા તમામ વકીલ આલમ તેમજ કોર્ટમાં રહેલા મહિલા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
યુવાને એક ડઝન મહિલા વકીલોના પાડેલા 20 ડઝન ફોટામાં મહિલા વકીલોની સુરક્ષા અને તેમની પ્રાઇવસી ધ્યાને રાખી શાહિદને તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયો હતો. જ્યાં બાર એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય વકીલોએ યુવાન વિરુદ્ધ મહિલા વકીલો અને મહિલા પોલીસના કોર્ટમાં ફોટા પાડવા બદલ ફરિયાદ નોંધાવી હતી. સંવેદનશીલ આ કિસ્સામાં એ ડિવિઝન પી.આઈ. વાઘેલાએ ગુનો દાખલ કરી શાહિદ સલીમ પટેલની ધરપકડ કરવા સાથે તેની તપાસ અર્થે પૂછપરછ કરવા કવાયત હાથ ધરી છે.
કોર્ટમાં મહિલા વકીલો અને મહિલા પોલીસના ક્યાં કારણોસર યુવાન અધધ ફોટા પાડી રહ્યો હતો. ફોટા પાડવા પાછળ કારણ શું હતી સહિતની વિગતો તેની પૂછપરછ બાદ જ બહાર આવશે. હાલ તો તેનો મોબાઈલ પણ કબ્જે લઈ પોલીસ તેને પણ તપાસી રહી છે.