ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે વર્ષ ૨૦૨૨ ની છેલ્લી સામાન્ય સભા મળી હતી. પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની અધ્યક્ષતામાં મળેલ આ સામાન્ય સભામાં વહીવટી શાખા, એકાઉન્ટ શાખા, મહેકમ શાખા, મેલેરિયા શાખા, પ.વ.ડી શાખા તેમજ સીટી એન્જી.શાખા અને વૉટર વર્ક્સ શાખા મળી આમ વિવિધ શાખા ઓને લગતા કામોને મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા.
સવારે ૧૧ કલાકે શરૂ થયેલ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટાભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષના સભ્યોએ શહેરના વોર્ડને લગતી તેમજ પાલિકાને લગતા વિવિધ મુદ્દે એક સમયે સત્તા પક્ષના નેતાઓ સાથે ચકમક સર્જાઈ હતી. ભરૂચ નગરપાલિકાની આ વર્ષની છેલ્લી સામાન્ય સભા હોય પક્ષ વિપક્ષના સભ્યો એકબીજા ઉપર પણ શાબ્દીક આક્રમણ કરતા નજરે પડ્યા હતા.
આ સામાન્ય સભામાં દિવાળી નિમિત્તે આપવામાં આવેલ જાહેર ખબરોના ખર્ચ મંજુર કરવા, કારોબારીમાં થયેલ ઠરાવ અંગેનો હિસાબ મંજુર કરવા, રોજદાર, ફિક્સ પગારદાર કર્મચારીઓને મેડિકલ વિમો બાબત સહિત પાલિકાને લગતા મશીનો રીપેરીંગ કરવા તેમજ જે તે એજન્સીઓને આપવામાં આવતા ભંડોળ મંજુર કરવા જેવી કુલ ૨૪ જેટલી બાબતો સભામાં મંજૂરી અર્થે મુકવામાં આવી હતી.