ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામ નજીક એક ટ્રક નાળામાં પડતા રુ.દસ લાખ જેટલુ નુકશાન થયુ હતું.
ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે રહેતો આકાશભાઇ અજીતભાઇ પાટણવાડીયા ગામના એક ટ્રક માલિકને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત તા.૩૦ મીના રોજ આકાશ રાતના બે વાગ્યાના અરસામાં ગોવાલીથી હાઇવા ટ્રક લઇને એકલો ચાંણોદ ખાતે ઓરસંગ નદીમાં રેતી ભરવા જવા નીકળ્યો હતો.દરમિયાન રાતના સાડા ત્રણ વાગ્યાના સમયે ટ્રક ઉમલ્લા અને રાયસીંગપુરા ગામ વચ્ચેથી પસાર થતી હતી. ત્યારે સામેથી એક ફોર વ્હિલ ગાડી આવતી હોવાથી આ ટ્રક ચાલકે તેની ટ્રક નાળાની બાજુમાં લીધી હતી.
નાળા પર લોખંડની એંગલ મારેલી હોવા છતા ટ્રક ચાલકે તે જોઇ નહિ,પરિણામે પુર ઝડપથી આવતી હાઇવા ટ્રક લોખંડની એંગલ તોડીને નાળામાં પડી હતી.સદભાગ્યે ટ્રક ચાલકને કોઇ ઇજા થઇ નહતી.નાળા પર લોખંડની એંગલ મારેલી હોવા છતા ટ્રક નાળામાં પડતા ટ્રક ચાલકની બેદરકારી સામે આવી હતી.
આ ઘટના બાદ ટ્રક ચાલક આકાશે ટ્રકની કેબિનમાંથી બહાર આવીને ટ્રક માલિકને ફોનથી જાણ કરતા ટ્રક માલિક સવારના છ વાગ્યાના અરસામાં ઘટના સ્થળે આવ્યો હતો.આ અકસ્માતમાં ટ્રકને રૂપિયા દસ લાખ જેટલુ નુકશાન થયુ હોવાનુ જણાયું હતું.
ઉલ્લેખનીય છે કે ટ્રકને ક્રેઇન મંગાવીને ટોચણ કરીને શો રૂમ પર રિપેરિંગ માટે લઇ જવામાં આવી હતી. બાદમાં વિમા માટે પોલીસ ફરિયાદની જરૂર પડતા અકસમાતના ત્રણેક દિવસ બાદ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
ઉમલ્લા પોલીસે અકસ્માતની આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ધોરીમાર્ગ પર આડેધડ દોડતા વાહનોને કારણે અવારનવાર નાનામોટા અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે.ટ્રક નાળામાં પડવાની આ ઘટનાથી અકસ્માતની વણથંભી પરંપરા યથાવત રહેવા પામી હતી.
•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી