ઓ.એન.જી.સી-અંકલેશ્વર એસેટ તથા ઓલ ઈન્ડિયા એસસી/એસટી ઓમ્પ્લોઈઝ વેલ્ફેર એસોસીએસનના ઉપક્રમે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની CPF ગંધાર – ચાંચવેલ ખાતે મહિલા, બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજયકક્ષાના મંત્રી મનીષાબેન વકીલના વરદ હસ્તે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની અનાવરણવિધિ સંપન્ન થઇ હતી.
આ વેળાએ એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે, પ્રેસિડન્ટ અંજલિ ગોખલે, જનરલ સેક્રેટરી સીડબલ્યુસી રોહિતકુમાર એમ. પટેલ તેમજ ઓ.એન.જી.સી એસેટના ઉચ્ચ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.
આ વેળાએ યોજાયેલા કાર્યક્રમનું દિપ પ્રજજવલન કરી રાજયકક્ષાનામંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે રાષ્ટ્રનિર્માણ માટે બાબાસાહેબ આંબેડકરનું યોગદાન અવિસ્મરણીય છે. બાબાસાહેબે શ્રમિકોનું શોષણ થતું અટકે એ માટે માનવીય અધિકારથી આઠ કલાક કામ કરવાનો હક મળે એ માટે અથાગ પ્રયાસો કર્યા હતા. વિવાહિતા મહિલાના પણ પિતાની સંપતિમાં પૂત્ર સમાન હક મળવો જોઇએ એ અંગે પણ જનજાગૃતિ લાવ્યા હતા. બાબાસાહેબ માત્ર દલિતોના નેતા નહિ પરંતુ જનનેતા હતા. વિશ્વ માનવ હતા. તેમના વ્યકિતત્વને સીમિત ક્ષેત્રોમાં ન જોતાં ભવિષ્યની પેઢીઓના વિચારોને ઉન્નત કરવામાં પ્રેરણા મેળવવી જોઇએ એમ તેમણે ભારપૂર્વક કહયું હતું.
મંત્રી મનીષાબેન વધુમાં જણાવ્યું હતું કે ઓ.એન.જી.સીમાં અનેકવિધ રાજયોમાંથી આવેલા ભિન્ન ભિન્ન સંસ્કૃતિના કર્મચારીઓથી વિવિધતામાં એકતા જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બાબાસાહેબના રાષ્ટ્રનિર્માણ અને જનકલ્યાણના વિચારોને મૂર્તિમંત કરવામાં મૂલ્યવાન કાર્ય કરી રહયા છે. લોકકાર્યોમાં રાજય અને કેન્દ્ર સરકારે બાબાસાહેબના લોકહિત અને સમાનતાના વિચારોથી પ્રેરિત થઇને ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ, નર્મદામૈયાના પાણીને રાજયભરમાં પહોંચાડવું જેવા અનેકવિધ યોજનાકીય કામો સાકાર થયાં છે તેમ જણાવ્યું હતું.
મંત્રી મનીષાબેન વકીલના વરદહસ્તે શ્રધ્ધા નિકેતન સંસ્થાના ટેનરોને સીવણ મશીન, નાહિયેર પ્રાથમિક શાળાના બાળકોને કીટ તેમજ બાબાસાહેબની પ્રતિમા બનાવના એજન્સીને એસોસિએસન તરફથી ચેક એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા.
આ વેળા અન્ય મહાનુભાવો ધ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓ.એન.જી.સી એસેટના ઉચ્ચ અધિકારીગણ, અન્ય અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.