આજે મંગળવારે બેવડું વળતર આપતી અનોખી અખાત્રીજ છે. નાના મોટો બિઝનેસ સાથે સંકળાયેલા લોકો નવા કામ માટે સારા મૂહર્તની રાહ જોતા હોય છે. પોઝિટીવ મૂહર્તમાં શરૂ કરેલા કામ વધુ પ્રોફિટ ખેંચી લાવતા હોય છે. એટલેજ આજની અખાત્રીજ (અક્ષય તૃતીયા) નો ઉપયોગ કરવાની જરૂર છે. આ એવો દિવસ છે કે જેમાં આખો દિવસ સારૂં મૂહર્ત વાળો હોય છે. અખાત્રીજના આખો દિવસે લગ્નના મૂહર્ત હોય છે.અખાત્રીજના દિવસને માર્કેટીંગ કરનારાઓેએ સોનાની ખરીદી સાથે જોડી દીધો છે. અખાત્રીજના ધાર્મિક મહત્વ પર નજર કરીયેતો તેમાં ક્યાંય સોનાની ખરીદી નથી આવતી આખો દિવસ શુભ હોવાથી નવા ઉધ્યોગ સાહસો, નવા બિઝનેસ, લગ્નો, નવા રોકાણો, વાહન ખરીદી, સોનાની ખરીદી વગેરે માટે અખાત્રીજ શુભ ગણાય છે.
એક તરફ કાળઝાળ મોંઘવારી છે તો બીજી તરફ અખાત્રીજે નાનું મોટું રોકાણ કરવાની સલાહ અપાતી આવી છે. મોંઘવારીનું બહાનું આગળ ઘરીને સોનું કે અન્ય કોઇ જણસ ખરીદવાનું માંડી વાળતા હોય તો ફરી વિચાર કરજો કેમકે અખાત્રીજે ખરીદેલી વસ્તુની કિંમત બેવડાય છે.નવો ઉદ્યોગ સાહસ કરવાનું વિચારનારાઓ કે નવી જમીન ખરીદવાનું ઇચ્છનારાઓએ પણ આજે મંગળવારની અખાત્રીજનો ઉપયોગ કરવો જોઇએ.
ચૈત્ર વદ અમાસના ત્રીજા દિવસે આવતી એટલેકે વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે. તેનું જેટલું ઘાર્મિક મહત્વ છે એટલુંજ તે બિઝનેસ ક્ષેત્રે પણ મહત્વનું છે.અક્ષયનો અર્થ એ થાય છે કે ક્યારેય નહીં ખૂટનારૂં.ભારતના લોકોને સોનું ખરીદવાનો ક્રેઝ જોવા મળે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રિપોર્ટ કહે છે કે ભારતમા સોનાની ખરીદીમાં ઓટ આવી છે.ભારતમાં ઘરેલું સોનાનો આંક ગણી શકાય એમ નથી. તેમ છતાં દરેક ઘરમાં સોનું ખરીદાય છે અને સચવાય છે. આપણે ત્યાં તેને સંકટ સમયની સાંકળ કહે છે. આજે પણ મધ્યમ વર્ગના ઘરોમાં સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે સોનું વેચીને ફી ભરવામાં આવે છે.
વર્તમાન મોંઘવારીમાં મધ્યમ વર્ગને સોનું ખરીદવું પરવડે એમ નથી પરંતુ દેશના ૨૦ ટકા લોકોના કારણે અખાત્રીજના દિવસે સોનાની ધૂમ ખરીદી થાય છે. ફરી અહીં લખવું પડે છે કે અખાત્રીજ જેવા પવિત્ર દિવસ અને સોનાની ખરીદીને કોઇ નિસ્બત નથી. પૌરાણીક શાસ્ત્રો અનુસાર ભગવાન મહાદેવે દેવી અખાત્રીજના દિવસે દેવતાઓના ઝર ઝવેરાત સાચવવા ભગવાન કુબેરને ટ્રેઝરર (ખજાનચી) તરીકે નિમ્યા હતા.આ એ દિવસ છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો બાળપણનો મિત્ર સુદામા વર્ષો પછી ભાગવાનને મળવા ગયા ત્યારે સાથે પોટલીમાં ચોખા લઇને ગયા હતા. આ એ દિવસ છે કે તે દિવસે આપેલા દાનનું પણ બેવડું પૂણ્ય મળતું હોય છે.