- અંકલેશ્વરમાં સર્વ સંમતિનો દાવો નિરીક્ષીકો સમક્ષ ભાંગી પડ્યો
- મનીષા પટેલ પાલિકાના 30 નગર સેવકો સાથે પહોંચ્યા પણ નિરીક્ષકો સામે સૂર બદલ્યા
ભાજપ આજથી બે દિવસ મુરતિયાઓ માટે મંથન કરાશે. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભરૂચમાં આજે નિરીક્ષકો સેન્સ લેશે. ભરૂચની 5 બેઠકમાંથી 2 બેઠક માટે આજે સેન્સ લેવાશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે. સત્તધારી પક્ષ ભાજપના ઉમેદવારીની ટિકિટ ટકાવી રાખવા અને પક્ષ તરફથી પરિવર્તનના અહેવાલો વચ્ચે ટિકિટ મેળવવા મોટી સંખ્યામાં મુરતિયાઓ મેદાને પડ્યા છે. ભાજપના નિરીક્ષકો દરેક વિધાનસભા વિસ્તારના પદાધિકારીઓ પાસે ફીડબેક લીધો હતો. ભરૂચ જિલ્લાની ભરૂચ અને અંકલેશ્વર માટે સેન્સ પ્રક્રિયા શરૂ હાથ ધરવામાં આવી હતી.
ભાજપાના નિરીક્ષક શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમીષા સુથાર સમક્ષ ૩૦ નગરસેવકો એક સાથે પત્ર લઈ પહોંચ્યા હતા. આ પાત્રમાં લખવામાં આવ્યું હતું કે અમે સર્વાનુમતે અમરા ઉમેદવાર તરીકે માજી મંત્રી ઈશ્વર પટેલને ઇચ્છીએ છીએ. નિરીક્ષકો પત્ર વાંચી રહયા હતા તે દરમ્યાન જ મહિલા નગર સેવિકા મનીષા પટેલે હાથ ઉંચો કરી બળવાનો સુર વ્યક્ત કર્યો હતો. મનીષાબહેને પોતે ૩૦ નગર સેવકોથી અલગ હોવાનું અને ધારાસભ્યની ટિકિટના હકદાર હોવાનું જણાવી ઉમેદવારી નોંધાવતા સોપો પડી ગયો હતો.
મનીષા પટેલ પાલિકાના 30 નગર સેવકો સાથે પહોંચ્યા પણ નિરીક્ષકો સામે સૂર બદલ્યા નગરસેવિકા મનીષા પટેલે જણાવ્યું હતું કે હું ભાજપાની સક્રિય કાર્યકર છું અને ઉમેદવારી કરવનો મને હક છે. જે માટે મેં ટિકિટ માંગી છે. હું હમેશા પક્ષને વફાદાર રહીશનું કહ્યું તો કોર્પોરેટર મનીષાબેન પટેલની ટીકીટ માટેના દાવા બાદ ચમક પણ ઝરી હતી. ભાજપ અગ્રણી અને પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંદિપ પટેલે નિરીક્ષકોને સ્પષ્ટ જણાવી દીધું હતું કે એકપણ નગરસેવક બહેનના ટેકામાં નથી જેની નોંધ લેશો.
અંકલેશ્વરના સંભવિત ઉમેદવારોની યાદીમાં ઈશ્વર પટેલ,મનીષા પટેલ,ભરત નાગજી પટેલ,જનક શાહ,સુરેશ પટેલ,સંદીપ પટેલનો સમાવેશ તો ભરૂચ ના સંભવિત ઉમેદવારોની યાદીમાં દુષ્યંત પટેલ,દિવ્યેશ પટેલ,દક્ષા પટેલ,શૈલા પટેલ,જીગ્નેશ પટેલ,નિરલ પટેલ,ડો. સુષમા પટેલના નામ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.
ઉલ્લેખનીય છે કે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ ૩ અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ ૪ ટર્મથી એકજ બેઠક ઉપરથી ચૂંટાતા આવી રહ્યા છે. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીની સભામાં સ્થાનિક નેતાઓને મોળો પ્રતિસાદ મળ્યો હોવાની ચર્ચાઓ વહેતી થયા બાદ બદલાવની અટકળો વચ્ચે ઘણા ધુરંધરોએ સીધા અથવા આડકતરા દાવા કરવા માંડયા છે.