ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા સ્થિત અંતરિયાળ ચાંચવેલ ગામના પેટ્રોલ પંપ ઉપર રાતે એકાદ બે કર્મચારીઓ જ રહેતા હોવાની રેકી કરી, મોડી રાતે બે બાઇક સવાર બુકાની બાંધી પેટ્રોલ પંમ્પ ઉપર પહોંચ્યા હતા. પમ્પ ઉપર એકજ કર્મચારી હોવાની ખાત્રી થતા બાઇક સવાર બંનેવ શખ્સોએ કર્મચારી સાથે મારામારી કરી પંપના કર્મચારીના લમણે બંદૂક મૂકી લૂંટારુઓ તેને પમ્પની ઓફિસમાં લઈ ગયા હતા.
લૂંટારુના હાથમાં બંદૂક હોવાથી કર્મચારી ખુબ ગભરાઈ ગયો હતો અને ધ્રુજવા લાગ્યો હતો. લૂંટારુઓએ તેને માર મારી હિન્દી ભાષામાં ઓફિસમાં જેટલા પણ પૈસા હોય તે આપી દેવા જણાવ્યું હતું. ધૂજતા હાથે કર્મચારીએ ઓફિસના ટેબલનું ખાણું ખોલી અંદાજિત રૂપિયા ૩૦ હજાર જેટલી રકમ લૂંટારૂઓને સોંપી દીધી હતી. બંને લૂંટારુઓ પમ્પના કર્મચારીને ઓફીસમાજ બેસી રહેવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ડરના કારણે થોડો સમય કર્મચારી ઓફિસના ફ્લોર ઉપર બેસી રહ્યો હતો જેને લૂંટારુઓ ફરાર થઇ ગયા હોવાની ખાતરી થતા પમ્પના સંચાલકને ઘટનાની જાણ કરી હતી.
મોડી રાતે બનાવની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લૂંટની આખી ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ હતી. CCTV ફૂટેજના આધારે ભરૂચ પોલીસે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. હિન્દીભાષી લૂંટારુઓ ગુજરાત બહારના છે કે પોલીસને ગુમરાહ કરવા હિન્દી ભાષામાં પૈસાની માંગણી કરી હતી તે તમામ બાબતોની હાલમાં તો પોલીસે માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.આ લૂંટના બનાવ સંદર્ભે વાગરા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરી વાગરા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.