ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી ૩૪ વર્ષીય વિધવા મહિલાને સંજય વસાવા નામના એક યુવક સાથે ૨૦૧૫ ની સાલથી પ્રેમ સંબંધ બંધાયો હતો. આ યુવક સાથેના સંબંધથી આ મહિલાએ ૨૦૧૬ ના ૧૦ મા મહિનામાં એક પુત્રને જન્મ આપ્યો હતો. આ મહિલા તેના ચાર સંતાનો સાથે તેના ગામે રહે છે. આ મહિલાને તેના પ્રેમી યુવક દ્વારા પુત્ર જનમ્યા બાદ મહિલા અવારનવાર તેની સાથે લગ્ન કરી લેવા યુવકને જણાવતી હતી, પરંતું યુવકે તેની સાથે લગ્ન કર્યા ન હતા.
દરમિયાન આ યુવકે અન્ય ગામની એક છોકરી સાથે સગાઇ કરી લીધી હોવાની ખબર મળતા મહિલાએ તેના પ્રેમી યુવકને તેની સાથે લગ્ન કરવા જણાવ્યુ હતું. ત્યારબાદ આ મહિલા તેની માતાના ઘરે અાવેલ હતી. દરમિયાન ગત તા.૩૦ મીના રોજ સાજના આઠેક વાગ્યાના સમયે મહિલા તેની મમ્મીના ઘરે હાજર હતી ત્યારે યુવકના કેટલાક સંબંધીઓ ત્યાં આવ્યા હતા અને મહિલાને કહ્યુ હતુકે સંજય તારી સાથે લગ્ન કરવાનો નથી. તેમ કહીને એ લોકો ગાળો બોલવા લાગ્યા હતા અને મહિલાને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તે લોકોએ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ ઘટના સંદર્ભે આ મહિલાએ શાંતિલાલ છનાભાઇ વસાવા, કેશરભાઇ છનાભાઇ વસાવા,પરેશભાઇ શાંતિલાલ વસાવા,પાયલબેન વિનોદભાઇ વસાવા,ઉર્મિલાબેન શાંતિલાલ વસાવા, અશોકભાઈ ભીમાભાઇ વસાવા,વિનોદભાઇ જમાઇ તમામ રહે.ગામ કુંવરપરા તા.ઝઘડીયાના તેમજ નર્મદા જિલ્લાના ઉમરવાના અન્ય પાંચ ઇસમો મળી કુલ ૧૨ વ્યક્તિઓ સામે ઝઘડીયા તાલુકાના એક પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.
- ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી