ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા ભરૂચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા સ્પા.ની આડમાં ચાલતી દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તીઓને શોધી કાઢવાની અપાયેલ કડક સૂચના આધારે એ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ તથા પોલીસ ટીમે બાતમી મળી હતી કે ભરૂચ શ્રવણ ચોકડી પાસે આવેલ અભ્યુદય આર્કેડમાં આવેલ બીગબોસ સ્પા ની આડમાં બહારની છોકરી મંગાવી દેહ વ્યાપાર ચલાવે છે.

જે બાતમી આધારે એ ડિવિઝન ટીમે છાપો મારવા એક ખાનગી વ્યક્તિને ગ્રાહક તરીકે તૈયાર કરી બાતમી વાળી જગ્યાએ મોકલી ખાત્રી કરતા ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ રેઇડમાં દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ કુલ છ યુવતિઓ તથા બિગબોસ સ્પામાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો દુકાન માલીક રાકેશ મનુભાઇ વાળંદ રહે-એ/૮ વિશ્વભર કોમ્પલેક્ષ, એમઆર.એફ. શો રૂમની પાછળ, નંદેલાવ ભરૂચ હાજર મળી આવતા પોલીસે જરૂરી પુરાવાઓ એકત્ર કરવા સાથે સ્પામાંથી બે મોબાઇલ અને કાઉન્ટર ઉપરથી રોકડા ૭૫૦૦ મળી કુલ રૂ. ૧૩૫૦૦/- કબ્જે કરી દુકાન માલીક વિરુધ્ધ ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે ઘણાં લાંબા સમયથી સ્પાની આડમાં ચાલતા આ દેહ વેપારમાં સ્પામાં રખાયેલ રૂપ લલનાઓ ક્યાંની હતી? જો બહારની હતી તો તેમના પાસપોર્ટ છે કે કેમ? તેમજ ભરૂચ જ્યાં તેઓને રાખવામાં આવી તે મકાન માલિકે પોલીસ વેરીફીકેશન કરાવ્યું છે  કે કેમ જેવા સવાલોના જવાબ હજુ સુધી પોલીસે અકબંધ રાખવા સાથે મેટ્રો સીટીમાં ઝડપાતા દેહવેપારમાં રૂપ લલનાઓ,ગ્રાહક તેમજ માલીક અને સંચાલકોના ફોટો વિડીયો સાથે વિગત પ્રકાશીત કરાય છે. જ્યારે ભરૂચમાં માત્ર રૂ.૧૩૫૦૦ના મુદ્દામાલ સાથે પકડાયેલ સ્પાના માલીકનો ફોટો જ પ્રસારણ માટે આપી એ ડિવિઝન પોલીસ કેમ ભીનું સંકેલી રહી છે તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here