
ભરૂચ પોલીસને સાયબર ક્રાઈમના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે. સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનું હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતાડાથી 24 વર્ષીય આરોપી રાજેશ મંડલને ઝડપી પાડવામાં આવ્યો છે. ડિસેમ્બર 2004માં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યોગેશ ઠાકોરના ખાતામાંથી સાયબર ક્રાઇમ દ્વારા બારોબાર લોન લઇ રૂપિયા 5.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસે 2000થી વધુ કોલ ડીટેઇલ તપાસી હતી જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા અને આ સમગ્ર ઠગાઈના તાર ઝારખંડના જામતાડા સુધી જોડાયા હતા.પોલીસે એક ટીમ જામતાડા રવાના કરી હતી.સતત 3 દિવસ સુધી ભરૂચ અને ઝારખંડ પોલીસની ટીમે વોચ રાખી મુખ્ય આરોપી રાજેશ મંડલની ધરપકડ કરી છે. જેની પૂછતાછમાં બહાર આવ્યું છે કે આરોપી જામતાડામાં જંગલ વિસ્તારમાં બેસે ચોરીના ફોન તેમજ સીમકાર્ડ દ્વારા લોકોને ઠગાઈ માટે કોલ કરતો હતો સાથે તેણે સમગ્ર દેશમાં 2018 જેટલા લોકોને નિશાન બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ઠગાઈ માટે 15 મોબાઈલ અને 7 સીમકાર્ડનો ઉપયોગ થયું હોવાનું પણ ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.
ભરૂચ એસ.પી.અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા ફોનમાં જો બેંક લોન કે KYC અપડેટનો ઉલ્લેખ કરવામાં આવે તો એ કોલ તરત જ બંધ કરી દેવા જોઈએ અને સત્તાવાર હેલ્પલાઈન દ્વારા જ માહિતી ચકાસવી જોઈએ.કોઈ અજાણી લીંક પર પણ ક્લિક ન કરવા તેઓએ લોકોને અપીલ કરી હતી.