ભરૂચ:નવી SP કચેરીનું રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ

0
188

ભરૂચમાં 141 વર્ષ જુની એસપી કચેરીના સ્થાને 9.63 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલી નવી એસપી કચેરીનું આજે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

ભરૂચમાં અંગ્રેજ શાસનકાળમાં કાળી તલાવડી વિસ્તારમાં 1881માં પોલીસ હેડકવાટર્સની સ્થાપના કરવામાં આવી હતી.હેડકવાટર્સમાં આવેલી એસપી કચેરી સહિત અન્ય કચેરીઓનું સમયાંતરે રીનોવેશન કરવામાં આવતું હતું પણ 141 વર્ષ બાદ ભરૂચને અદ્યતન સુવિધાઓ ધરાવતી નવી એસપી કચેરી મળી છે. 9.63 કરોડ રૂપિયાના ખર્ચથી હાલની એસપી કચેરીની બાજુમાં જ બનેલી નવી કચેરીનું રવિવારે સાંજે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રીતે જળવાય રહે તે માટે જિલ્લામાં 3 નવા પોલીસ સ્ટેશન અંકલેશ્વર બી ડીવીઝન, પાનોલી અને ઝઘડીયાનું પણ લોકાર્પણ કરવા ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે બનેલાં 204 જેટલા આવાસો ખુલ્લા મુકાયા હતા.

ભરૂચની નવી એસપી કચેરીમાં મહિલાઓની સુખાકારીનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા અરજદારો તેમના બાળકોને રાખી શકે તે માટે ઘોડીયાઘર બનાવવામાં આવ્યું છે. ઘોડીયાઘરમાં એક પોલીસ કર્મચારીને તૈનાત કરાશે.ભરૂચની નવી એસપી ઓફિસમાં એલસીબી, એસઓજી, મહિલા વિભાગ, પોલીસ કંટ્રોલરૂમ, પાસપોર્ટ ઓફિસ સહિતની મહત્વની કચેરીઓ કાર્યરત કરવામાં આવશે જેથી ફરિયાદી કે અરજદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકકા ખાવા પડશે નહિ. એસપી ઓફિસમાં રીસેપ્સન ઉપરથી જ અરજદારોને માર્ગદર્શન પણ આપવામાં આવશે.

નવી એસ.પી.કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા વડોદરા રેન્જના આઈ.જી.એમ.એસ.ભરાડા,જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here