વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ. ૮ર૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.
સંબોધનના પ્રારંભે વડાપ્રધાને સમાજવાદી પાર્ટીના સ્થાપક અને યુ.પી ના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.મુલાયમસિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમના દુઃખદ નિધનથી દેશને પૂરી ન શકાય તેવી ક્ષતિ થઇ છે. તેમના આશીર્વાદ મારા માટે અનમોલ અમાનત છે. ઘોર રાજકીય અવરોધો વચ્ચે પણ તેમનો મારા પ્રત્યે સતત સ્નેહ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જંબુસરમાં અંદાજે રૂ. ૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહૂર્ત કરવા સાથે દહેજમાં રૂ.૫૬૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ,રૂ. ૩૦ કરોડના ખર્ચે અંકલેશ્વર અને પાનોલીમાં નિર્માણ થનાર મલ્ટીલેવલ ઔધોગિક શેડ તથા રૂ.૧૦૦ કરોડના ખર્ચે અંકલેશ્વર એરપોર્ટ ફેઝ – ૧ કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરીને ગુજરાતને વિકાસની વધુ એક ભેટ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.૪૧૦૫ કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. GACL ના આ વિવિધ પ્લાન્ટ થકી દેશના અમૂલ્ય વિદેશી હૂંડિયામણની બચત થવા સાથે રાષ્ટ્રને “આત્મનિર્ભર ભારત” ની દિશા તરફ આગળ વધવામાં મદદ કરશે. આ સાથે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) સાથેના સંયુક્ત સાહસ જીએસીએલ-નાલ્કો આલ્કલીઝ એન્ડ કેમિકલ્સપ્રાઈવેટ લિમિટેડ (જીએનએએલ) પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
તેમણે બનાસકાંઠા જિલ્લાના મુડેઠામાં રૂ.૭૦.૮૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર એગ્રો ફૂડ પાર્ક, ભરૂચ જિલ્લાના વાલીયા, છોટાઉદેપુરના વનાર, દાહોદના ચાકલીયા અને ભરૂચ શહેરમાં રૂ.૧૧૭.૫૩ કરોડના ખર્ચે આકાર પામેલ ભૂગર્ભ ડ્રેનેજ અને એસ.ટી.પી, રૂ.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઉમલા-અસા-પાનેઠા માર્ગ અને રૂ.૩૧૫કરોડના ખર્ચે આઈઓસીએલ દ્વારા નિર્મિત દહેજ-કોયલી પાઈપલાઈનનું પણ લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાને ગુજરાત અને દેશના વિકાસમાં ભરૂચની મહત્વપૂર્ણ ભૂમિકાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સંદર્ભે તેમણે કહ્યું કે, એક સમયે ખારી શીંગ માટે ઓળખાતા ભરૂચ જિલ્લાએ હવે ઉદ્યોગો, બંદરો, વ્યાપાર ઉદ્યોગોથી વૈશ્વિક ઓળખ મેળવી છે. નર્મદા તટ પરની આ પવિત્ર ભૂમિના સંતાનો કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ શાસ્ત્રી જેવા મહાનુભાવોએ ભરૂચ સાથે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે. ઔદ્યોગિક ગતિ-પ્રગતિમાં શિરમૌર રહેલા ભરૂચ અને અંકલેશ્વરનો વિકાસ ટવીન સિટી મોડેલ આધારિત થઇ રહ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું. વડાપ્રધાને ઉમેર્યું કે, નરેન્દ્ર અને ભૂપેન્દ્ર સરકાર એમ ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટાપાયે અને તીવ્ર ગતિએ પૂર્ણ થાય છે.
જો નીતિ અને નિયત બેય સાફ હોય તો તેના આધારે વિકાસના સપના સાકાર કરવાનું વાતાવરણ સુદ્રઢ બને છે તે આપણે પૂરવાર કર્યુ છે એમ પણ વડાપ્રધાને કહ્યું હતું.વીસ વર્ષ પૂર્વે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જીવવા માટે પણ વલખા મારવા પડતા હતા એવી વિકટ અને ભયાવહ સ્થિતિની યાદ તાજી કરાવતા વડાપ્રધાને કહ્યું કે, આદિવાસી બાંધવો કાળી મજૂરી કરીને પેટનો ખાડો પૂરતા હતા. ભરૂચ તો લોકોની હિજરતથી ખાલી થવાની તૈયારીમાં હતું. તેમાંય ગુનેગારો બેફામ બન્યા હતા. કાયદો અને વ્યવસ્થાની આવી વરવી સ્થિતિમાં ગુજરાતના આત્માને વીંખી નાંખવાના પ્રયાસો થતા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં રૂ. 2506 કરોડના ખર્ચે નિર્માણ પામનારો બલ્ક ડ્રગ પાર્ક 2000 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલો અને વૈશ્વિક કક્ષાની સુવિધા ધરાવતો ઔદ્યોગિક પાર્ક બનશે. આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત સરકારે પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમને સાકાર કરવા બલ્ક ડ્રગ પાર્ક માટે પાણી, વીજળી, રાજ્યવેરા, જેવી વિવિધ સેવાઓ માટે રાહતદર જાહેર કર્યા છે.
આ પ્રસંગેપ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, GIDC ના વહીવટી સંચાલક એમ.થેન્નારસન, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી