ભારત દેશમાં આજે પણ નસીબનો હવાલો આપી અમીરી અને ગરીબીની ભેદરેખા પર લોકો ચુપકી સાધી બેઠા છે. હાલ ચાલી રહેલ નવરાત્રીના તહેવારમાં માતાના ગરબે જુમવા અવનવા ડિઝાઇન અને કલરના કપડાં અને તેને લગતી સામગ્રીની ખરીદી કરવામાં આવી તેમજ મોટા મોટા ગરબા ગ્રાઉન્ડ પર રૂપિયા ખર્ચી ગરબા ગાવા જતા નજરે પડે છે.
બીજી તરફ આર્થિક બોજા સાથે જીવતા લોકો તહેવાર ઉજવવા કે નહીં તેની ચિંતા કરતાં અને પેટિયું રળતા જોવા મળે છે. અમીર અને ગરીબીની ભેદરેખા દેશ આઝાદ થયા બાદ મોદી સરકારની અમૃત કાળ દરમિયાન પણ દૂર થઈ નથી. અમીરોના બાળકો બ્રાન્ડેડ કપડાં અને પગે હજારો રૂપિયાના જુતા પહેરી લાખો રૂપિયાની મોટરગાડીમાંથી ઉતરી એસ.સી. રેસ્ટોરન્ટમાં જંક ફૂડ આરોગતાં જોવા મળે છે.
તો બીજી તરફ ગરીબી રેખા તળે જીવતાં બાળકો માટે અંગ ઢંકાઈ તે માટે વસ્ત્ર અને પગે પહેરવા ચપ્પલ મળે તો ઠીક અને ના મળે તો પણ ઠીક જ્યારે કે એક વખતના જમવાનું મળશે કે નહીં તેની ચિંતામાં રહેતાં હોય છે. આખો દિવસ આકરી મહેનત કરીને પણ ભરપેટ જમવાનું ન મળતું હોય અને બીજી તરફ રેસ્ટોરન્ટમાં અડધું જમવાનું બાકી મૂકી ઉઠી જતાં લોકો જોવા મળે છે. ત્યારે આવી અમીર અને ગરીબીની ભેદરેખા વચ્ચે ઝાડેશ્વર ગામના મોટા તળાવની પાળે બે બાળકો માથા પર સામાનનું એક મોટું પોટલું માથે એકસાથે ઊંચકી જતા નજરે પડયા હતા.
ભાઈ-બહેન જેવા બાળકોમાં બહેનના પગતળિયે ચંંપલ પણ જોવા મળ્યા ન હતા. ત્યારે પગે વાગતાં કાંકરા કરતા પણ વધુ મજબૂત મનોબળ સાથે જીવતા ગરીબોની સહન શક્તિ વિકસિત રહેતી હોય છે. આવા ગરીબ બાળકોની મદદે તંત્ર કે સંસ્થા આગળ આવે તે જરૂરી બની રહ્યું છે.