ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 20થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતા કોંગ્રેસ ચૂંટણી પહેલા જ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની રહી છે. વાગરા તાલુકાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા ભાજપનું જન સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ, સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ, દુધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ, વાગરા તાલુકા પંચાયતના સભ્ય મુબારક પઠાણ અને કોંગ્રેસના આગેવાન યુનુસ સરપંચ સહિત 16 ગામોના આશરે 300થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમને કેસરીયો ખેસ પહેરાવી ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ આવકાર્યા હતા.