
ઉમરપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લેનારા અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા સહિત કુલ ચાર અલગ અલગ કનડતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
આદિવાસી સમાજ દ્વારા વ્યારા, માંડવી, વાલીયા, દેડીયાપાડા, માંગરોળ, સોનગઢ સહિતના અનેક તાલુકાઓમાં આદિવાસીના ખોટા પ્રમાણપત્ર મુદ્દે આવેદનપત્રો આપી લડત ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઉમરપાડામાં આદિવાસી સમાજ દ્વારા મોટી સંખ્યામાં ઉમરપાડા એસટી ડેપોથી મામલતદાર કચેરી સુધી રેલી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુવા સંગઠનના આગેવાન સ્નેહલભાઈ વસાવાની આગેવાની હેઠળ કાર્યકરો ધર્મેશ વસાવા, ગજેન્દ્ર વસાવા વગેરે એ ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર આપી આગેવાનોએ જણાવ્યું કે ભારતના સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ધોર અન્યાય થઈ રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા જારી કરેલ મુખ્યમંત્રી કૃષિ ઉદ્યોગ યોજના અંતર્ગત ઉમરપાડા તાલુકાના લાભાર્થી તરીકે ઘણા બધા બોગસ લાભાર્થીઓના નામનો સમાવેશ થયો છે જેથી સાચા આદિવાસી લાભાર્થીઓ લાભથી વંચિત છે. આ નામો રદ કરવામાં આવે અને બોગસ લાભાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જામખંભાળિયામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રતિલાલભાઈ વસાવાને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમને ફરી ફરજ ઉપર હાજર કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ન્યાય આપવામાં આવે તેવી અપીલ કરીએ છે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચિમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારી છે. આ કાર્યક્રમમાં માંગરોળ, ઉમરપાડા, ડેડીયાપાડા, સાગબારા, નેત્રંગના અનેક આદિવાસી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા