ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં 14 માંગણીઓને લઈ દેખાવો કરતા માજી સૈનિકો ઉપર થયેલા લાઠી ચાર્જના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.
ગાંધીનગરમાં 14 જેટલી માંગણીઓને લઈ માજી સૈનિકો આંદોલન કરી રહ્યા હતા. જેમાં લાઠીચાર્જમાં કાનજી મીથાલીયાનું મૃત્યુ થયું હતું. જેથી આજરોજ ભરૂચ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધતું આવેદન તંત્રને આપ્યું હતું.
આવેદનમાં ભરૂચ આપે આક્ષેપ સાથે માંગણી કરી હતી કે, ભાજપ સરકારના ઈશારે માજી સૈનિકો ઉપર લાઠી ચાર્જ કરાયો હતો. જે દુઃખદ ઘટના છે. જેમાં શહીદ થયેલા કાનજી ભાઈના પરિવારને ન્યાય આપી રૂપિયા એક કરોડનું વળતર ચૂકવાય. સાથે જ માજી સૈનિકોની તમામ 14 માંગો સ્વીકારી લેવાઈ. હાઇકોર્ટના નિવૃત જજ દ્વારા આ ઘટનનાની તપાસ કરાવાય. દેશના જવાનો અને શહીદોના પરિવારોને ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવું પડે તેને આપે દુઃખદ ઘટના ગણાવી હતી. આવેદન આપવામાં જિલ્લા પ્રમુખ ઉર્વી કાનની, આકાશ મોદી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.