
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટે પહોંચી છે, જેને લઈને જિલ્લાના 800થી વધુ લોકોનું અને પશુધનનું સ્થળાંતર કરાયું છે, જ્યારે શાળામાં રજા જાહેર કરાઈ છે.
મધ્યપ્રદેશમાં અવિરત વરસાદને પગલે ઇન્દિરા સાગર ડેમમાંથી 7.50 લાખ ક્યૂસેક પાણીની સરદાર સરોવર નર્મદા ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેને પગલે નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગતરોજ 5.45 લાખથી વધુ ક્યૂસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું, જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ જારી કરાયું હતું. ત્યારે આજરોજ ડેમમાંથી 5.60 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.
ગતરોજ રાતે નદીની વોર્નિંગ લેવલ સપાટીથી બે ફૂટ ઉપર વધી હતી. ત્યારે આજે નદીની સપાટીમાં સતત વધારો થયો છે. નદીની સપાટી વધીને 26 ફૂટ ઉપરથી વધુ પહોંચી છે, જેને પગલે ભરૂચ ઉપર પૂરનું સંકટ ઊભું થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે અને લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પૂરના સંકટ વચ્ચે તંત્ર દ્વારા રેસ્કયૂ ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ સહિત આગેવાનો ખડેપગે રહી સેવા કાર્યમાં જોડાયા છે. અત્યારસુધી જિલ્લામાં 870 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
બીજી તરફ ભરૂચમાં ‘ઘોડાપૂર’ને ટાળવામાં સરદાર સરોવર ઉપર બેસાડવામાં આવેલા 4500 હાથી જેટલું વજન ધરાવતા ડેમના દરવાજા હાલ તો સફળ રહ્યા છે. સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી બડવાની ડેમ મારફત 7.75 લાખ ક્યુસેક પાણી બુધવારે સાંજથી વધી આવવા લાગ્યું હતું. જોકે, નીચાણવાસમાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાને પૂરથી બચાવવા સરદાર સરોવર નર્મદા ડેમ SSNNLના સત્તાધીશોએ 450 ટનનો એક એવા ડેમના સ્પીલ વે ઉપર લગાવેલા 30 રેડિયલ દરવાજાને કામે લગાડ્યા હતા.