
હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલ અલવા ગામ નજીકની વળાંક પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. જોકે, કારમાં સવાર વડોદરાના પરિવારના ચાર સભ્યોનો આબાદ બચાવ થયો હતો.
હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલા અલવા ગામ નજીકની વળાંક અકસ્માત ઝોન બની છે. મહિનામાં ચારથી પાંચ અકસ્માતની ઘટના આ સ્થળે બનતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે આજરોજ વડોદરાનો પરિવાર કાર નંબર-જી.જે.06.પી.ડી.3187 લઇ સુરત ખાતે જઈ રહ્યો હતો તે વેળા હાંસોટથી સુરતને જોડતા માર્ગ ઉપર આવેલ અલવા ગામની વળાંક પાસે કાર ચાલકનો સ્ટેયરીંગ ઉપર કાબુ નહિ રહેતા કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
કાર પલટી જતા ધડાકાભેર અવાજ આવતા માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા પરિવારના ચાર સભ્યોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.