મા ભારતીની કૂખે જન્મ લેનાર દરેક ભારતીયો માટે દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રીય ધ્વજ દેશભક્તિનું પ્રતિક છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સુરતમાં આયોજિત ‘તિરંગા પદયાત્રા’માં સુરતવાસીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે સુરતની તિરંગા પદયાત્રામાં બાળકો, યુવાનો, મહિલાઓ સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકો રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા જોડાયા હતા.
તિરંગા યાત્રામાં પાંચ વર્ષનું સ્કેટર બાળક સ્કેટિંગ બુટ પહેરી પોતાની માતા સાથે જોડાયું હતું. બાળકે સ્કેટિંગ કરતા કરતા લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમથી કારગીલ ચોક સુધીના બે કિમીનું અંતર કાપ્યું હતું. આગળ બાળક અને પાછળ બાળકની માતાએ હાથમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તેને પ્રોત્સાહિત કર્યું હતું. માતા અને બાળકની આ તસ્વીરમાં વાત્સલ્યભાવનાની સાથોસાથ રાષ્ટ્રભાવના ઝલકતી દેખાઈ રહી છે.