સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા માટે આવેલા બે વિદેશી યુવક યુવતીએ ભારતીય સંસ્કૃતિથી અભિભૂત થઈ આમોદ નગરમાં આવેલા વિવિધ મંદિરોના દર્શન કર્યા હતાં.
ગાંધીજીના મૂલ્યોથી પ્રભાવિત બનેલા પોલેન્ડના રીકી તેમજ ઇટલીની ઇરિકા મિઘાલી સ્પેનમાં સાથે રહે છે.તેઓ ગાંધી વિચારથી પ્રભાવિત હોય અમદાવાદના સાબરમતી આશ્રમથી પગપાળા દાંડીયાત્રા કરીને આમોદ આવ્યા હતાં.રસ્તામાં આવતા અનેક ગાંધી સ્મારકો તેમજ આશ્રમોની મુલાકાત લીધી હતી.
દાંડી યાત્રા માટે આમોદ આવેલા વિદેશી દાંડીયાત્રીઓ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હોય તેમણે ભીમપુરા ગામે સાંઈબાબા મંદિર,આમોદમાં બાપા સીતારામ મંદિર,વણઝારી વાવ તેમજ પ્રાચીન ગણપતિ મંદિરે દર્શન કર્યા હતાં તેમજ સાંજની ગણપતિ દાદાની આરતીનો પણ લાભ લીધો હતો.તેમણે જણાવ્યું હતું કે દાંડીયાત્રાએ ઇતિહાસને બદલી નાખ્યો હતો.તેઓ ગાંધીજીના શાંતિ અને ભાઈચારાના હિમાયતી છે.
તેમની પદ યાત્રા દરમિયાન તેઓને દરેક ગામ તરફથી સારો સહકાર મળ્યો હતો.અને તેમની સાથે દાંડીયાત્રામાં પણ જોડાયા હતાં.રીકીએ જણાવ્યું હતું કે તેઓ ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી દાંડી ખાતે કરશે.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ