- માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને કાર્યપાલક ઇજનેરના પૂતળા ગદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવ્યા.
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ બાદ જાણે કે રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે, વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતા રસ્તાઓ જાણે કે વરસાદી માહોલમાં ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના કારણે ધોવાઈ ગયા છે. એક જ રસ્તાને બનાવવા માટે પ્રજાના દર બે વર્ષે કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવતું હોવાની નીતિ અપનાવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતનું માર્ગ અને મકાન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, ભરૂચ શહેર સહિતના અનેક માર્ગો આજે બિસ્માર બન્યા છે, શહેરી વિસ્તારોમાં જૂના ભરૂચમાં ૧૧ વોર્ડ જે નગર પાલીકાથી સચવાતો નથી તો જિલ્લા પંચાયતનું લશ્કર પણ ક્યાં લડતું હોય તેવી બાબતો હાલ ખરાબ માર્ગો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભરૂચ જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે, તો તંત્ર માત્ર ઠીંગણા મારવામાં મશગુલ બન્યું છે.
આ વચ્ચે જિલ્લા યુવા કોંગ્રેસ હવે સક્રિય બન્યું છે. આજે ભરૂચ ખાતે બિસ્માર રસ્તા અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને કાર્યપાલક ઇજનેરના પૂતળા ગધેડા ઉપર બેસાડી સુત્રોચ્ચાર સાથે શહેરમાં ફેરવ્યા હતા. કોંગ્રેસના આ વિરોધને લઇ ૨૦ થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.