
ભરૂચમાં આમ આદમી પાર્ટીએ મોંઘવારી મુદ્દે પાંચબત્તી સર્કલ ખાતે ફાંસીના ગાળીયા અને સુત્રોચ્ચાર સાથે અનોખો વિરોધ કર્યો હતો. જેમાં મોંઘવારીના બોર્ડ અને ફાંસીના ફંદા બનાવી વિરોધ પ્રર્દશન કર્યુ હતું.
ભરૂચ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગેસ, વીજળી, અનાજ, કઠોળ, પેટ્રોલ-ડીઝલ સહિતના પ્લે કાર્ડ સાથે મોંઘવારીને ફાંસી આપતો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભરૂચ આપના આગેવાન આકાશ મોદીએ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે આજે અનોખો વિરોધ નોંધાવાયો છે. ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં અને નેતુત્વ વિહીન વિપક્ષ કોંગ્રેસના કારણે ગુજરાતની પ્રજા પીસાઈ રહી છે ત્યારે આપ જ એક વિકલ્પ છે.
ભરૂચ પ્રમુખ ઉર્વી વાલાણીએ આક્રોશ ઠાલવ્યો હતો કે, તમામ ચીજવસ્તુઓ મોંઘી થતા લોકોનું જીવવું શુ મરવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે રાજ્યમાં આ અસ્થિરતાઓને દૂર કરવા આપ ભાજપ અને કોંગ્રેસના પર્યાય રૂપે ઉતરી છે. પાંચબત્તી ખાતે ફાંસીના ગાળીયા બનાવી આપના વિરોધ પ્રદર્શનને લઈ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પોલીસે આ વિરોધ પ્રદર્શનમાં આપના આગેવાનો ઊર્મિ પટેલ, આકાશ મોદી, તેજસ પટેલ, અભિલેશ ગોહિલ, પિયુષ પટેલ, ગોપાલ રાણા ઉપસ્થીત રહ્યા હતા.