જંબુસર વિધાનસભા કૉન્ગ્રેસ દ્વારા સરકારની પ્રજા વિરોધી નીતિને લઇ એસટી ડેપો સર્કલ ખાતે ધરણા વિરોધ પ્રદર્શન યોજાયું જેમાં પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઈ.
કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લઈ જનતા વીજળી મોંઘવારી બેરોજગારી સહિત અનેક વિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે જનતા હેરાન પરેશાન છે,તો બીજી બાજુ નવયુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા વગર વિચારે અને આયોજન વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે. જે અંગે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ધરણાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત જંબુસર વિધાનસભા હોદ્દેદારો દ્વારા એસટી ડેપો સર્કલ પાસે સરકારની પ્રજા વિરોધી નીતિને લઇ ધરણા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અનુસંધાને આજરોજ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો ડેપો પાસે એકત્ર થયા હતા અને જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની આગેવાનીમાં ધરણા પ્રદર્શન વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ શહેર પ્રમુખ જાવીદભાઈ તલાટી વિપક્ષનેતા શાકીરભાઈ મલેક યુવા પ્રમુખ કેતનભાઈ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યાં હતા અને સરકાર વિરોધી સરકારી નીતિ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગી હોદ્દેદારો કાર્યકરોની જંબુસર પોલીસે અટકાયત કરી સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીની સરકાર સદંતર રીતે નિષ્ફળ નીવડી છે હાલમાં સરકાર દ્વારા યુવાનોને રોજગારી આપવાની વાત કરી છે. પરંતુ તે રોજગારી છીનવી લેવામાં આવી છે યુવાનોમાં નિરાશા છે મોંઘવારી બેહદ વધી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યાં છે સરકાર પબ્લિકનું મજાક ઉડાવી રહ્યા છે તેમ ધારાસભ્ય સંજયભાઇ સોલંકી દ્વારા જણાવાયું હતું.જંબુસર ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં જંબુસર આમોદ તાલુકાના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યાં હતા.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર