ગુજરાત રાજ્ય મંત્રી દ્વારા વિધાનસભા સત્રમાં વિદ્યાર્થીઓ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં જંબુસર એસ ટી ડેપોમાં વિદ્યાર્થીઓને બસમાં મુસાફરી કરવા રકમ ચુકવવી પડતી હોય જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખે એસટી ડેપો મેનેજરને લેખિત મૌખિક રજુઆતો કરી હતી.
હાલમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોનું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે અને જંબુસર આમોદના વિદ્યાર્થીઓ જે દુર દુર સુધી અભ્યાસ કરવા બસમાં મુસાફરી કરતાં હોય છે.અને જંબુસર એસટી ડેપોમાંથી પાંચકડાવી રકમ ચુકવવી પડતી હોય જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત હોદ્દેદારો જંબુસર ડેપો ખાતે આવી પહોંચી વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રમુખ કેતન મકવાણાની આગેવાનીમાં ડેપો મેનેજરને લેખિત મૌખિક રજુઆતો કરી હતી.
તેમણે લેખિતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના માર્ગ પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા વિધાનસભાના છેલ્લાસત્રમાં વિદ્યાર્થીઓ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પૈસા આપીને પાસ કઢાવે છે તો સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે અને હાલમાં જે વિદ્યાર્થીઓ પૈસા આપીને પાસ કઢાવેલ છે તેમને તાત્કાલિક ધોરણે પાસ કઢાવ્યા ના પૈસા પરત કરવામાં આવે તથા કોરોના કાળ બાદ એસટી નિગમ દ્વારા અનેક બસના રૂટ કેન્સલ કરતા ઘણા મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે બસની અનિયમિતતાને કારણે ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણમાં અસર પડે છે અને જંબુસરથી ભરૂચ રાતના નવની બસ બંધ કરવામાં આવી છે તે શરૂ કરવામાં આવે ભરૂચથી રાત્રે ૯/૩૦ જંબુસર આવતી બસ એ રાત્રે બાર વાગ્યે આવે છે તો એ બસનો સમય રેગ્યુલર કરવામાં આવે. આ રજુઆત કરવા મહામંત્રી અનીશ રણા,કૃણાલ રોહિત ,ઉમેશ પરમાર, અશોક જાંબુ શહેર યુવા કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યાં હતા.રજુઆતને અંતે આ રજૂઆત ઉચ્ચ અધિકારીઓને પહોચાડવામાં આવશે તેમ ડેપો મેનેજર દ્વારા જણાવાયું હતું.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર