નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે, સતત ત્રણ દિવસથી પુછપરછ મામલે દેશભરમાં ઇડી અને કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ગુજરાતમાં પણ વિવિધ જિલ્લા મથકે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર અને ઇડી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ સ્થીત ડૉ.બાબાસાહેબ આંબેડકર નજીકમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યાં ભરૂચ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતાં કે કેન્દ્ર સરકારની રાજકીય કિન્નખોરીને લઈ ઇડી વિભાગ કામ કરી રહ્યું છે અને રાહુલ ગાંધીની સતત પૂછપરછ કરવામાં આવી રહી છેનું જણાવી કોંગ્રેસના ધરણામાં ઉપસ્થીત આગેવાનો અને કાર્યકરોએ વર્તમાન મોદી સરકાર સામે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
જેમાં વિરોધ કરી રહેલા કોંગી હોદ્દેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું, જોકે બાદમાં પોલીસે ૨૦ થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી તમામને ભરૂચ એ ડિવિઝન ખાતે લવાયા હતાં.જેથી ગાંધીગીરી કરી ઘરણાં પ્રદશન કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભરૂચ પોલીસ મથક બહાર બેસી સુત્રોચ્ચાર કરી ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલ ધરણાં પ્રદર્શનના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ,નિખીલ શાહ, દિનેશભાઇ અડવાણી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.