
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે એ પૂર્વે ભાજપમાં શરૂ કરાયેલા કોંગ્રેસના ભરતીમેળામાં હાર્દિક પટેલ બાદ હવે કેટલાંક પાટીદાર MLA ઉપર પણ ફોકસ કરાઇ રહ્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફતના એંધાણ દેખાઇ રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLA ગમે ત્યારે કેસરિયા કરે તેવી શક્યતા. પાટીલના મિશન 182ને લઇ કોંગ્રેસના કેટલાંક MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA કેસરિયા કરવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે.
4 પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLAને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી શક્યતા. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે.
તદુપરાંત 182 બેઠક જીતવા માટે ભાજપ હાઈકમાન્ડે શક્ય તમામ બાંધછોડ કરવા પ્રદેશ નેતાઓને છુટ્ટો દોર આપી દીધો છે. પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર ધારાસભ્યો આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપની ટિકિટની ખાત્રી માંગી રહ્યાં હોવાથી અમુક ધારાસભ્યોનો પેચ ફસાયો છે. તો સામે બીજી બાજુ ટિકિટ નહીં લેનાર કોંગ્રેસના ધારાસભ્યને અન્ય રીતે ‘સાચવી’ લેવા માટે પણ ‘ગોઠવણ’ કરવામાં આવી રહી છે.