ઇ.સ.૧૮૫૭ના બળવા પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટી કાર્યમાં ફેરફાર થતાં, તા.૨ નવેમ્બર,૧૮૫૮ના રોજ મહારાણી વિકટોરિયાએ હિન્દુસ્તાન દેશનો વહીવટ પોતાના હાથમાં  લીધો અને પ્રજા જીવન સ્થિર થયું. વિકટોરિયા ‘ક્વીન’મટીને ‘એમ્પ્રેસ’બન્યાં. ઇ.સ.૧૯૦૧માં રાણી વિકટોરિયાનું અવસાન થતાં,પ્રજાની એમના તરફની શુભ લાગણીના કારણે એમની યાદગીરી માટે ભરૂચની પ્રજાએ રૂપિયા ૬૦૭૩નું ઉઘરાણું કર્યું.તે રકમમાં ભરૂચ સુધરાઇએ પોતાના તરફથી રૂપિયા ૪૮૩૩ની રકમ ઉમેરી અને  કુલ રૂપિયા ૧૦,૮૦૬ના ખર્ચે મે,૧૯૦૮માં એક ટાવર બંધાવ્યો અને તેનું નામ ‘ વિકટોરિયા મેમોરિયલ ટાવર’ અપાયું.

ટાવરનું ઉદ્દઘાટન તે સમયના નગર પ્રમુખ રાવબહાદુર ચુનીલાલા વેણીલાલના હસ્તે કરવામાં આવ્યું હતું.ટાવરનું નિર્માણકાર્ય થયાના છ મહિના પછી સૌથી ઉપરના માળ ઉપર બીજો એક માળ ઊભો કરવાનું કાર્ય શરૂ થયું.એના નિર્માણ પાછળ રૂપિયા ૪૧૦૦નો ખર્ચ થયો હતો. જે પૈકીના રૂપિયા ૨૧૦૦ શ્રી ખરોદજી એદલજી લાક્ડાવાલા તરફથી મળેલા અને રૂપિયા ૨૦૦૦ નગરપાલિકાએ આપ્યા હતા. ઉપરના મજલાના નિર્માણ સમયે ઓટો રોથફિલ્ડ કલેકટર તરીકે હતા. ટેકનિકલ ઇજનેર તરીકે એન.એન.આયંગરે સેવા આપી હતી. આ સમયે  નગરપ્રમુખ તરીકે શાહ સોહરાબજી હોરમસજી હતા.

આ ટાવરની ઘડિયાળ ભવ્ય હતી. ખાસિયત એ હતી કે ટાવરની ચારે તરફ લાગેલી ઘડિયાળોના સંચાલન વચ્ચે લગાવાયેલ એક જ મશીન દ્વારા થતું હતું. ઘડિયાળની સાથે બે વિશાળ ઘંટ લગાડાવામાં આવ્યા હતા. બે માણસો બાથ ભરીને ઊભા રહે ત્યારે કાંસામાંથી બનાવેલા વિશાળકાય ઘંટ દર પંદર મિનિટે રણકી ઊઠતા અને માઇલો સુધી તેનો નાદ પહોંચાડતા.આ ઘડિયાળમાં એવી રચના કરાઇ હતી કે કલાક ઉપર પંદર મિનિટે ૧ ટકોરો,૩૦ મિનિટે બે ટકોરા અને ૪૫ મિનિટે ત્રણ ટકોરા વાગતા,જ્યારે પૂરા કલાકે જે સમય થયો હોય એટલા ટકોરા વાગતા.આ ટાવરની ટોચ પર ઇમરજન્સી લાલ લાઇટ તથા સાઇરન લગાડવામાં આવ્યું હતું, જે નિયમિત રીતે સવારે સાડા દસ વાગ્યે નગરજનોને સમયનો અણસાર આપતું હતું. આ ઉપરાંત રેલ કે અન્ય આફત સમયે નદીમાં એક ફૂટ પાણી વઘવા સાથે સાયરન વાગતું હતું.પણ પાલિકા સત્તાધિશો અને ધારસભ્યો સહિતનાની ઉદાસીનતાના પગલે આજે આ ટાવર માત્ર પાલિકાના લોગોની શાન બની ને જ રહી જવા પામ્યો છે. આવનારી પેઢી માટે હવે આ ટાવર માત્ર પલિકાના લોગો ઉપર જ દ્રષ્યમાન થશે.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here