ભરૂચ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા સુથિયાપુરા વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી ગટર અને સફાઈની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત બનતા આખરે કંટાળીને પાલિકા કચેરી ખાતે વિપક્ષના સથવારે આક્રામક રજૂઆત કરી હતી.
સુથિયાપુરા વિસ્તારમાં વખતો વખત ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓને સમસ્યાની રજુઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ લવાયો ન હતો. આખરે ફરી ત્રીજી વાર મંગળવારે સ્થાનિકો વિરોધ પક્ષ કોંગ્રેસને સાથે રાખી પાલિકા ઉપર રજુઆત કરવા ધસી ગયા હતા.
જેમાં વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ,કોંગી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાલા,દિનેશ અડવાણી અને સુથિયાપુરા વિસ્તારના સ્થાનીક લોકોની રજુઆત સાંભળી પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ પણ તાત્કાલિક ધોરણે રહીશોની ગટર અને સફાઈની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા મામલો હાલ પુરતો તો થાળે પડયો હતો.