
- 1 મહિલાનો મૃતદેહ મળ્યો, 4 લાપતા
- એક પરિવારના 5 સભ્યો ડૂબી જતાં ગમગીની
ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યો માંડણ ગામે ફરવા આવ્યા હતા, તેઓ નદીમાં ન્હાવા પડતાં તમામ સભ્યો ડૂબી ગયા હતા, જોકે રાજપીપળા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે એક મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો જ્યારે અન્ય 4 વ્યક્તિઓને સોધવાની તજવીજ હાથ ધરાઇ છે.
ભરૂચ જિલ્લાના જોલવા ગામના જનકસિહ બલવંતસિહ પરમાર (ઉ.વ 35), જીગનીશાબેન જનકસિહ પરમાર(ઉ.વ 32), પૂર્વરાજ જનકસિહ પરમાર (ઉ.વ 8), વિરપાલસિહ પરબત સિહ ચૌહાણ (ઉ.વ 27) તથા ખુસિબેન/સંગીતાબેન વિરપાલસિહ ચૌહાણ(ઉ.વ 24) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા માટે આવ્યા હતા.
જ્યાં અસહ્ય ગરમીને કારણે તેઓ ત્યાં નદીમાં નહાવા પડ્યા હતા. પાણીની ઊંડાઈથી અજાણ તેઓ આગળ જતાં એક પછી એક ડૂબવા લાગ્યા હતા.જો કે નજીકમાં જ એમની 2 બાઈક અને ચપ્પલ પડેલા જોઈ અમુક લોકો ડૂબી ગયા હોવાનો ગ્રામજનોને લાગ્યું હતું.
રાજપીપલા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે મહા મુસીબતે જીગનીશાબેન જનકસિહ પરમારનો મૃતદેહ હાથે લાગ્યો હતો.અંધારું થઈ જતાં એમણે પણ શોધખોળ બંધ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ રાજપીપલા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. આજે NDRF દ્વારા નદીમાં ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરાશે.