સમગ્ર ગુજરાત માટે ગૌરવ ગણી શકાય એવી ઘટના ભરૂચમાં આકાર લેવા જઇ રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ તેની ઉત્કર્ષ પહેલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોજિત ચાર મુખ્ય યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. દેશના અન્ય કોઇ જિલ્લામાં આવી કામગીરી કરવામાં આવી નથી. આ ચાર યોજનામાં કુલ ૧૩ હજાર કરતા પણ વધુ લાભાર્થીઓને આગામી તા. ૧૨ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે.

ઉત્કર્ષ પહેલ અભિયાન અંગે સમુહ માધ્યમો સાથે વાતચિત કરતા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને આપવા માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સહયોગથી ઉત્કર્ષ પહેલ હાથ ધરવામાં આવી છે.

જેમાં સર્વ પ્રથમ સોશ્યલ મીડિયા ઉપર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. જેના માધ્યમથી પાત્રતા ધરાવતા નાગરિકોને ઓળખી કાઢવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રના અથાક પ્રયત્નોને પરિણામ સ્વરૂપ માત્ર ત્રણ માસમાં ૧૩ હજાર કરતા વધુ લાભાર્થીઓને તેમાં આવરી લેવામાં આવ્યા હતા.આટલું જ નહીં, હેલ્પલાઇન ઉપરાંત ગ્રામપંચાયતના પદાધિકારીઓ અને સરકારી કર્મયોગી થકી ગામોમાં ફરી સર્વે હાથ ધરવામાં આવ્યા હતા અને બાકી રહી ગયેલા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી.

એ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા લાભાર્થીઓને શોધી આપી, તેના લાભો મંજૂર કરાવવાની કાર્યવાહીમાં મદદ કરે તે મદદગાર વ્યક્તિને રૂ. ૨૫૦નું ઇનામ આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી. આવા મદદગારોને રૂ. ૮ લાખના ઇનામો આપવામાં આવ્યા હતા.દેશના અન્ય કોઇ જિલ્લામાં આવી રીતે સો ટકા લાભાર્થીઓને કવર કરવામાં આવ્યા નથી.કલેક્ટર સુમેરાએ ઉમેર્યું કે, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં એમઆરએફ ટાયરના સીએસઆર સહયોગથી જિલ્લામાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કાર્ડ કાઢી આપનાર ઓપરેટરને રૂ. ૩૦નું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આરોગ્ય ઉત્કર્ષ પહેલમાં સો ટકા કામગીરી કરવાનો લક્ષ્યાંક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here